અમદાવાદ, 1 ઓક્ટોબરઃ ખોરલોછુ હાઇડ્રો પાવર લિમિટેડે સરકારની માલિકીની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) સાથે રૂ. 4,829 કરોડના ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે.ખોરલોછુ હાઇડ્રો પાવર લિમિટેડ (કેએચપીએલ) એક વ્યૂહાત્મક ભાગીદારી છે, જેમાં ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ (ડીજીપીસી)નો 60 ટકા અને ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓ પૈકીની એક ટાટા પાવર કંપની લિમિટેડનો 40 ટકા હિસ્સો છે. તેઓ ભુટાનમાં 600 મેગાવોટ ખોરલોછુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વિકસાવી રહ્યાં છે. ફાઇનાન્સિંગ ચાર્જ સહિત અંદાજે રૂ. 6,900 કરોડના ખર્ચ સાથેનો આ પ્રોજેક્ટ વર્ષ 2029-2030માં કાર્યરત થવાની ધારણા છે.

DGPCના જણાવ્યા અનુસાર કેએચપીએલએ ભારતના એનબીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પીએફસી) સાથે રૂ. 4,829કરોડના લોન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં રૂ. 950 કરોડની વધુ સ્ટેન્ડબાય ક્રેડિટ સુવિધાની પણ જોગવાઈ છે. આ સીમાચિહ્નરૂપ ટ્રાન્ઝેક્શન ભુટાનમાં પીએફસીનું પ્રથમ ક્રોસ-બોર્ડર ફાઇનાન્સિંગ છે તેમજ ભારત અને ભુટાન વચ્ચે વધતા ક્લિન એનર્જી સહયોગને દર્શાવે છે.

આ કરાર હેઠળ પીએફસી પ્રોજેક્ટના એકમાત્ર ધિરાણકર્તા રહેશે.

ત્રાશીયાંગત્સે ઝોંગખાગમાં આવેલા ખોરલોછુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટથી વાર્ષિક 2,524 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ ભુટાનની શિયાળાની માંગને પૂર્ણ કરવામાં મદદ કરશે તેમજ ઉનાળાના મહિનાઓ દરમિયાન ભારતમાં વધારાની વીજળીની નિકાસને સક્ષમ બનાવશે.

તેનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં સિવિલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને 1 જાન્યુઆરી, 2025થી કામ ચાલી રહ્યું છે. પાવર ઇવેક્યુએશનમાં પ્રોજેક્ટથી ગોલિંગ પૂલિંગ સ્ટેશન સુધી 145 કિમી, 400 કિલોવોલ્ટ ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થશે, જેનું નિર્માણ ભુટાન પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડની પેટાકંપની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ ભુટાનની એકમાત્ર ઉત્પાદન ઉપયોગિતા છે, જેનો પોર્ટફોલિયો 3,473 મેગાવોટ હાઇડ્રોપાવર ક્ષમતાનો છે. આગામી દાયકામાં 15,000 મેગાવોટ હાઇડ્રોપાવર અને 5,000 મેગાવોટ સૌર ક્ષમતા પ્રાપ્ત કરવાના વિઝન સાથે ડીજીપીસી ભુટાનની ક્લિન એનર્જીમાં કેન્દ્રસ્થાને છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)