અમદાવાદ: ભારતીય શેરબજારોમાં ગત શુક્રવારનો રેડ ઝોનનો માહોલ સપ્તાહની શરૂઆતમાં પણ જોવા મળ્યો છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ ખાસ વધ-ઘટ જોવા મળી ન હતી. નિફ્ટી નજીવો 4.95 પોઈન્ટ જ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિષ્ણાતો આગળ માહોલ તેજીનો રહેવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી નિફ્ટી 18,600-18,500 ધરાવે છે ત્યાં સુધી ચિંતાનું કોઈ મોટું કારણ નથી. એમપીસીની બેઠક પૂરી થયા પછી ઇન્ડેક્સ 19,000 તરફ જવાની ધારણા નિષ્ણાતો આપી રહ્યા છે.

ભારતીય રિઝર્વ બેન્કની ત્રિદિવસીય એમપીસી બેઠક શરૂ થઈ હતી. નિફ્ટી ઇન્ડેક્સ 18,719 પર નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 100 પોઈન્ટની રેન્જમાં વધી અંતે 4.95 પોઈન્ટ વધીને 18,701 પર બંધ થયો અને દૈનિક ચાર્ટ પર ડોજી પેટર્ન બનાવ્યો, જે બુલ્સ અને બેર વચ્ચે અનિર્ણાયકતા દર્શાવે છે.

એફઆઈઆઈએ આજે વેચવાલી નોંધાવી છે. જો કે, સ્થાનિક રોકાણકારોનો સપોર્ટ મળતાં નિફ્ટીએ 18,600ના સપોર્ટ લેવલ જાળવી રાખ્યો છે. જો કે, બજારની ટૂંકા ગાળાની ચાલ હજુ પણ દિશાવિહીન હોવાનું કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યુ છે. જો ઇન્ડેક્સ 18,600થી ઉપર ટ્રેડ કરે તો તે નજીકના ભવિષ્યમાં 18,800-18,850ના લેવલે આગળ વધી શકે છે. 18,600ની નીચે જાય તો ઈન્ડેક્સ ઘટી 18,500-18,450 સુધી પહોંચી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)