WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ
ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે 700થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. ગત મહિને, ભારતે ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આતંકવાદને ધિરાણ અને નિવારક પગલાંમાં ઉપયોગમાં લેવાતી નવી તકનીકોની સમીક્ષા કરવામાં આવી હતી. દેશના ફાઈનાન્સ ઈન્ટેલિજન્સ યુનિટ છેલ્લા 8 મહિનામાં 3300થી વધુ ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યું છે. આ એકાઉન્ટ્સની સંડોવણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોવાની માહિતી મળી છે. એવા સંકેતો છે કે આ ક્રિપ્ટો એકાઉન્ટ્સનો ઉપયોગ મની લોન્ડરિંગ, ડ્રગ હેરફેર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. જેઓ સામાજિક તણાવ પેદા કરવા માટે ફંડિંગ મેળવવા ક્રિપ્ટોનો ઉપયોગ કરી રહ્યા છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે આ માહિતી ભારત અને વિદેશમાં હાજર ક્રિપ્ટો એક્સચેન્જોને આપી છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે ક્રિપ્ટો એક્સચેન્જને આ શંકાસ્પદ ક્રિપ્ટો એકાઉન્ટ્સ બંધ કરવા નિર્દેશ કર્યો છે.
એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં (એપ્રિલથી નવેમ્બર) અમે લગભગ 3,300 ક્રિપ્ટો એકાઉન્ટ્સને ટ્રેક કર્યા છે, જે વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આ યાદી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન સાથે પણ શેર કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ એવા કિસ્સાઓમાં ક્રિપ્ટો એકાઉન્ટ્સ બંધ કરવા અરજી કરી છે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જીસ પર કાર્યરત ક્રિપ્ટો એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવા કહ્યું છે.
આ ખાતાઓમાં મોટા ભાગના વ્યવહારો ડ્રગ્સ સ્મગલિંગ, મની લોન્ડરિંગ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને વાઈલ્ડલાઈફ સ્મગલિંગ સાથે સંબંધિત હતા, જેમાંથી ઘણા 2019માં થઈ ચૂકેલી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ત્રણ ડિજિટલ એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓ તપાસ હેઠળ છે અને વિગતવાર તપાસથી કેટલાકને શોધવામાં મદદ મળી છે. FIUએ આ એકાઉન્ટ્સ મારફત 2019થી 2021 દરમિયાન 28,000 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ડ્રગ વ્યવહારો શોધી કાઢ્યા હતા. સામાજિક અશાંતિ માટે ક્રિપ્ટોનો વધતો ઉપયોગ ચિંતાનો વિષય છે. તેમાંથી મોટાભાગના લોકો આવા વ્યવહારો માટે ડાર્ક વેબનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, ટેકનોલોજીનો ઉપયોગ અને અમલીકરણ એજન્સીઓ વચ્ચેનો સંકલન તેમને આવા વ્યવહારોને રોકવામાં મદદ કરે છે.
70 ટકા એકાઉન્ટ્સ બ્લોક
અધિકારીએ જણાવ્યું હતું કે આમાંથી 70 ટકા ખાતાઓ પહેલાથી જ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને બાકીના બંધ થવાની પ્રક્રિયામાં છે. અમુક ક્રિપ્ટો એકાઉન્ટ ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારક્ષેત્રની બહાર છે. એક્સચેન્જો વિદેશી અધિકારક્ષેત્રમાં હોય તેવા કિસ્સામાં અમલીકરણ એજન્સીઓ પણ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે અને ઇન્ટરપોલ, યુરેશિયન ગ્રુપ, એગમોન્ટ (એફઆઈયુનું એગમોન્ટ ગ્રુપ) અને યુરોપોલ સહિતની આંતરરાષ્ટ્રીય એજન્સીઓને માહિતી આપવામાં આવી છે.