Adani Group શેરો કડડભૂસ, ગૌતમ અદાણીની નેટવર્થ 48 હજાર કરોડ ઘટી
હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ વિશે નેગેટિવ રિપોર્ટ જારી કરાતાં શેરો તૂટ્યા, તમામ દાવાઓને અદાણીએ પાયાવિહોણા ગણાવ્યાં
અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં 5થી 10 ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે એશિયાના ટોચના અને વિશ્વના ત્રીજા ધનિક ગૌતમ અદાણીની માલિકીની 7 લિસ્ટેડ કંપનીઓના શેર તૂટતાં તેમની સંપત્તિમાં 5.9 અબજ ડોલર (રૂ. 48000 કરોડ)નું ગાબડું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં 3 વર્ષમાં 100 અબજ ડોલરનો વધારો થયો હતો. જેમાં ગ્રૂપની સાત લિસ્ટેડ કંપનીઓના શેર એવરેજ 819 ટકા વધ્યા હતા. રિપોર્ટમાં એવો આક્ષેપ કરાયો છે કે, પ્રમોટર્સે કંપનીઓની નાણાકીય સ્થિતિને જોખમમાં મૂકતાં શેરો કોલેટરલ માટે ગીરો મૂકી મોટી રકમમાં લોન લીધી છે. અદાણી ગ્રૂપ વિરૂદ્ધ કથિત રીતે ચાર મહત્ત્વપૂર્ણ મની લોન્ડરિંગ, ટેક્સ ડોલરની ચોરી અને ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા છે. આ ફ્રોડની કુલ વેલ્યૂ 17 અબજ ડોલર છે.
એકતરફી પાયાવિહોણા અને અપ્રમાણિત મલિન ઇરાદા ધરાવતા અહેવાલો-અદાણી ગ્રૂપ
અમને આશ્ચર્ય થયું છે કે હિંડનબર્ગ રિસર્ચે અમારો સંપર્ક કરવાનો કોઇપણ પ્રયાસ કર્યાં વગર અથવા વાસ્તવિક તથ્યો તપાસ્યાં વગર 24 જાન્યુઆરી, 2023ના રોજ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં પસંદગીની ખોટી, જૂઠી, અવિશ્વસનીય અને આધાર વિહોણી વિગતો આવરી લેવાઇ છે. આ આરોપોને ભારતની સર્વોચ્ચ અદાલતો દ્વારા તપાસ બાદ નકારવામાં આવ્યાં છે. અદાણી ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના બેશરમ, અને દૂષિત ઈરાદા સ્પષ્ટ કરતા આ અહેવાલના પ્રકાશનના સમયગાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટપણે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.નો ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો આવી રહેલો ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ (FPO)ને માત્રને માત્ર વિપરીત નુકશાન પહોંચાડવાનો છે. નાણાકીય નિષ્ણાતો અને અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ કપરી કસોટીના અંતે આખરી કરેલ વિગતવાર વિશ્લેષણો અને અહેવાલો ઉપર અનેક રોકાણકાર સમુદાયે હંમેશા અદાણી જૂથમાં સતત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને અદાણી સમૂહના વિવિધ વ્યવસાયોની સફળતા તેનું પરિણામ છે જે દુનિયાની નજર સામે છે. અમારા જાણકાર અને બજારના અભ્યાસુ જ્ઞાની રોકાણકારો આવા એકતરફી પાયાવિહોણા અને અપ્રમાણિત મલિન ઇરાદા ધરાવતા અહેવાલોથી ક્યારેય પ્રભાવિત થતા નથી. -જુગેશિંદરસિંઘ, ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અદાણી ગ્રૂપ
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરની સ્થિતિ
સ્ક્રિપ્સ | બંધ | ઘટાડો (%) | ઈન્ટ્રા ડે લો |
અદાણી ટ્રાન્સ | 2534.10 | -8.06 | 2412 |
અદાણી એન્ટર. | 3389.85 | -1.54 | 3315.70 |
અદાણી ટોટલ | 3668.15 | -5.59 | 3602.65 |
અદાણી પાવર | 261.10 | -4.99 | 261.10 |
અદાણી પોર્ટ્સ | 712.90 | -6.30 | 706.00 |
અદાણી વિલમર | 544.50 | -5.00 | 544.50 |
અદાણી ગ્રીન | 1855.45 | -3.04 | 1840.95 |
એનડીટીવી | 269.80 | -4.98 | 269.80 |
એસીસી | 2166.60 | -7.26 | 2157.30 |
અંબુજા સિમેન્ટ | 460.10 | -7.71 | 450.75 |