GSTમાં પરિવર્તન ભારતને ગેમિંગ સુપરપાવર બનાવવાના MeitYના વિઝન માટે અવરોધક
વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે ભારતમાં ગ્લોબલ ગેમિંગ હબ બનવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ માટે અને ગ્રાહકોના હિત તથા ઉદ્યોગની વૃધ્ધિ વચ્ચે સંતુલન સાધે તેવાં નિયમોનો પ્રગતિશીલ મુસદ્દો તૈયાર કરવા નોડલ મંત્રાલય તરીકે MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય)ની નિયુક્તિ કરીને સકારાત્મક પગલું ભર્યું છે.
આ સકારાત્મક પગલાં છતાં બે મહત્વનાં મુદ્દે GST કાઉન્સિલનાં સંભવિત નિર્ણય મંત્રાલયના પ્રયત્નો અને વડાપ્રધાનનાં વિઝન માટે અવરોધક છે. પ્રથમ, GST કાઉન્સિલ એ મુદ્દે વિચારી રહી છે કે ઓનલાઇન સ્કિલ આધારિત ગેમ્સ પર પ્લેટફોર્મ ફી પર વર્તમાન 18 ટકા ટેક્સ લાગુ કરવો જોઇએ, કે પ્લેટફોર્મ ફી પર 28 ટકા કે પછી સમગ્ર પ્રાઇઝ પુલ પર 28 ટકા. જો અમલ થશે તો આ ફેરફારથી સનરાઇઝ સેક્ટર ઓનલાઇન સ્કિલ ગેમિંગ પર નોંધપાત્ર નકારાત્મક અસર પડશે. કઈ રીતે, તે સમજીએઃ
જો યુઝર રૂ. 100 ચૂકવે છે, તો કંપની સર્વિસ ફી અથવા તો પ્લેટફોર્મ ફી તરીકે રૂ. 15 રાખી લેશે અને બાકીનાં 85 રૂપિયા પ્રાઇઝ પુલમાં મૂકશે, જે સ્પર્ધાના વિજેતાઓને આપવામાં આવશે. હાલમાં, સ્કિલ ગેમ્સ પર કંપનીની આવક રૂ. 15ની સર્વિસ ફી પર 18 ટકા GST લાદવામાં આવે છે, જે કરપાત્ર છે. આમ કંપનીએ યુઝર દીઠ રૂ. 2.7 ટેક્સ આપવો પડે છે.
રૂ. 100 પર 28 ટકા GST ઉદ્યોગ માટે વિઘાતક છે. જો આમ થાય તો 2.7નો ટેક્સ 1000 ટકા વધીને રૂ. 28 થઈ જશે. આ ટેક્સ (રૂ. 28) પ્લેટફોર્મની આવક (રૂ.15) કરતાં પણ વધી જશે, જેને કારણે આ બિઝનેસ નુકસાનકારક થઈ જશે.
ટ્રાઇલિગલ ખાતે પાર્ટનર મેયપ્પન નાગપ્પને સમજૂતિ આપતા જણાવ્યું હતું કે, “કંપનીએ કમાણી જ ન કરી હોય તે આવક પર ટેક્સ ન લાદવો જોઇએ. ઉદાહરણ તરીકે, સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગમાંથી થયેલા નફા પર નેટ ગેઇન પર ટેક્સ લાદવામાં આવે છે, ટ્રેડિંગની કુલ રકમ પર નહીં. ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ પર કુલ રકમ પર ટેક્સ લાદવાથી તો વાસ્તવિક આવક કરતાં ટેક્સ વધી જશે.”
ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ બે અબજ ડોલરની આવક મેળવે છે અને વર્ષ 2025 સુધીમાં પાંચ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
જો GSTમાં ઉદ્યોગ માટે નકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે તો ભારતીય ટેકનોલોજીનાં ઇનોવેશનને ફટકો પડશે. જો સૂચિત કર પ્રણાલિ અપનાવવામાં આવશે તો ‘ડિજિટલ ઇન્ડિયા’નું વડાપ્રધાનનું વિઝન જોખમાશે.