અદાણી ગ્રુપની બે કંપનીએ ત્રિમાસિક અને વાર્ષિક પરિણામ જાહેર કર્યા છે. અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વૃદ્ધિ, જ્યારે અદાણી ટોટલ ગેસનો ચોખ્ખો નફો 44 ટકા ઘટ્યો છે. પરંતુ બંનેની કુલ આવકોમાં વૃદ્ધિ જોવા મળી છે. અદાણી ટોટલ ગેસના બોર્ડે શેરદીઠ રૂ. 0.25 ડિવિડન્ડ પેટે આપવાની જાહેરાત કરી છે. પરિણામોના અંતે અદાણી ગ્રીનનો શેર 5.57 ટકા ઘટી 2672.45 અને અદાણી ટોટલ ગેસનો શેર 1.70 ટકા ઘટી 2444.40 પર બંધ રહ્યો હતો.

અદાણી ગ્રીનની આવકો 46 ટકા વધી

અદાણી ગ્રીન એનર્જીનો ત્રિમાસિક ચોખ્ખો નફો 16 ટકા વધી રૂ. 121 કરોડ થયો હતો. જે ગતવર્ષે 104 કરોડ હતો. કુલ આવકો 46 ટકા વધી રૂ. 1587 કરોડ (રૂ. 1082 કરોડ) થઈ છે. શેરદીઠ કમાણી ત્રિમાસિક ધોરણે ઘટી 0.58 થઈ હતી. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ત્રણ ગણી વૃદ્ધિ સાથે રૂ. 489 કરોડ (રૂ. 182 કરોડ) અને કુલ આવકો 5548 કરોડ (રૂ. 3520 કરોડ) થઈ છે.

અદાણી ટોટલની આવકો વધી

અદાણી ટોટલનો ત્રિમાસિક ચોખ્ખો નફો ઘટી રૂ. 81.09 કરોડ (રૂ. 143.73 કરોડ) નોંધાયો છે. જો કે, કુલ આવકો 69.76 ટકા વધી રૂ. 1075.66 કરોડ (રૂ. 633.65 કરોડ) થઈ છે. 2021-22 દરમિયાન ચોખ્ખો નફો વધી રૂ. 509.40 કરોડ (રૂ. 462.82 કરોડ) અને કુલ આવકો વધી રૂ. 3247.86 કરોડ (રૂ. 1828.83 કરોડ) નોંધાઈ છે.