અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ MSMEને રૂ. 74 હજાર કરોડની લોન્સ ફાળવી
ગણતરીની મિનિટોમાં જ ડિજિટલ ઓટો ક્રેડિટ થતી લોન્સ માટે Online PSB Loans 22થી વધુ બેન્કો સાથે સહયોગ ધરાવે છે
અમદાવાદ, 5 મેઃ અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ છેલ્લા પાંચ વર્ષમાં MSMEને 74 હજાર કરોડની લોન ફાળવી છે. MSMEને ઝડપથી 59 મિનિટમાં લોન ઉપલબ્ધ કરાવતા એકમાત્ર સીડબી સાથે ટાયઅપ ધરાવતાં અને ટેક્નોલોજીથી સજ્જ આ સ્ટાર્ટઅપે 22થી વધુ બેન્કો સાથે મળી ડિજિટલી ઓટો ક્રેડિટનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. જે MSMEને ડિજિટલી લોન મેળવવામાં મદદ કરે છે. અત્યારસુધી આ સ્ટાર્ટઅપે 7.5 લાખ પ્રપોઝલ પર કામ કર્યું છે.
MSMEને તાત્કાલિક ધોરણે ઉભી થતી નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા 2018માં શરૂ થયેલા ઓપીએલ સ્ટાર્ટઅપમાં મોટાભાગનો હિસ્સો ટોચની 10 નાણાકીય સંસ્થાઓ અને બેન્કો ધરાવે છે. જેમાં સીડબી, એસબીઆઈ, પીએનબી, બીઓબી, એચડીએફસી, એસબીઆઈ કાર્ડસ ટોપ-10 શેરહોલ્ડર્સમાં સામેલ હોવાનું કંપનીના કો-ફાઉન્ડર અને સીઓઓ રોનક શાહે જણાવ્યું હતું.
ડિજિટલ લોન્સ માટે યુપીના MSME અગ્રેસર, ગુજરાત ચોથા ક્રમે
આ માધ્યમ હેઠળ લોન મેળવવામાં યુપીના MSME પ્રથમ ક્રમે છે. ગુજરાત ચોથા ક્રમે છે. હાલમાં, પ્લેટફોર્મમાં 88,000+ શાખાઓ એકીકૃત છે જેનો 1,50,000થી વધુ બેન્કર્સ ઉપયોગ કરી રહ્યા છે.
પર્સનલ લોનની જેમ MSME લોન કોલેટરલ વિના આપવાની તૈયારી
OPL પર્સનલ લોનની જેમ MSMEને પણ તેમની શાખ પર, સિબિલ સ્કોર, જીએસટી ફાઈલિંગના આધારે કોલેટરલ વિના લોન આપવાની તૈયારી દર્શાવે છે.
જેમાં 10 લાખથી માંડી 5 કરોડ સુધીની લોન આપવા બેન્કોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરી રહી છે. NPA રેશિયો 1 ટકાથી પણ નીચો છે. જેના માટે કંપનીએ FIT રેન્ક લોન્ચ કર્યો હતો. જે AI-મશીન લર્નિંગની મદદથી MSMEની ક્રેડિટ નિર્ધારિત કરતો રેન્ક છે તેવું કંપનીના એમડી અને સીઇઓ જિનંદ શાહે જણાવ્યું હતું.
GST સહાય એપ દ્વારા 1.2 કરોડ MSMEને લોન માટે આવરી લેશે
ઓપીએલ દ્વારા MSME મોટી રકમની લોન વધુ ઝડપથી મેળવી શકે તે હેતુ સાથે GST-Sahay એપ લોન્ચ કરવામાં આવી છે. જે MSME માટે ઓન-ટેપ ઇન્વોઇસ-આધારિત ફાઇનાન્સિંગ એપ્લિકેશન છે. એપ્લિકેશન જીએસટી ડેટા, બેન્ક ખાતાની વિગતો અને બ્યુરો ડેટાનો લાભ લેતા MSMEને રોકડ પ્રવાહ આધારિત ધિરાણની સુવિધા આપે છે. આ એપ્લિકેશન MSMEને બહુવિધ ધિરાણકર્તાઓ પાસેથી લોન ઓફરની તુલના કરવા અને શ્રેષ્ઠ પસંદગી કરવા સક્ષમ બનાવે છે. દેશમાં હાલ 1.2 કરોડ MSME જીએસટી નંબર ધરાવે છે. જે તમામને તેમના જીએસટી આંકડાઓને અનુરૂપ 8થી 12 ટકાના વ્યાજદરે લોન આપશે.