મુંબઇ, 8 જૂન: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા(SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ને રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFIએ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 14,64,16,057 હતી, જે આ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. એપ્રિલમાં ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂપિયા 41.62 લાખ કરોડ હતી, જ્યારે સરેરાશ AUM રૂપિયા 41.53 લાખ કરોડ હતી. મ્યુચ્યુઅલ ફંડ મારફત ઘરેલુ બચતોને બજાર તરફ વાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને મજબૂત કરવામાં AMFIની ભૂમિકાને આવકાર આપ્યો છે અને આ ઉદ્યોગમાં રેગ્યુલેટરોને મળેલા સ્થાનમાં નોંધપાત્ર વિશ્વાસ હોવાનું જણાવ્યું છે.

મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પલેક્ક્ષમાં AMFIની નવી ઑફિસના ઉદ્દઘાટન પ્રસંગે બોલતા સુશ્રી બુચે AMFIની અપેક્ષાઓ પ્રત્યે સહયોગ વ્યક્ત કરી AMFIની નક્કર ભૂમિકાનાં વખાણ કરતાં જણાવ્યું કે રોકાણકારોનો વિશ્વાસ ડગી જાય તેવી કોઇપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. સેબીએ AMFIની એથિક્સ કમિટી તેમજ ફંડ હાઉસોને અયોગ્ય પ્રેક્ટિસ કરતા કોઇપણ વ્યક્તિ વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવા સૂચના પણ આપી છે.

AMFIના ચેરમેન એ. બાલાસુબ્રમણ્યને કહ્યું હતું કે AMFI 2.0નો અમલ કરવા સજ્જ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ યુગમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ટેકનોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઇએ જેથી રોકાણકારોની નવી જરૂરિયાતો પૂરી કરી શકાય. AMFIના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું કે, AMFI ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવવા આ ઉદ્યોગના ભાગીદારો સાથે વધારે ગાઢ સંકલનથી કામ કરશે.