Aurobindo Pharmaનો Eugia Pharma Specilitiesનો મેગા આઈપીઓ લાવશે, 4500 કરોડ એકત્ર કરશે
અમદાવાદ, 10 જાન્યુઆરીઃ હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્મા તેની પેટા કંપની સ્પેશિયાલિટી જેનરિક ફર્મ Eugia Pharma Specialitiesનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. Eugia Pharma Specialitiesના આઈપીઓ મારફત 2024માં કંપની રૂ. 4500 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે.
હૈદરાબાદ સ્થિત પેરેન્ટે અગાઉ યુજિયાના વેચાણનો પ્રયાસ કર્યો હતો અને 2022માં ટોચના ખાનગી ઇક્વિટી ખેલાડીઓ સાથે આ મામલે ચર્ચા કરી હતી, પરંતુ વેલ્યૂએશન પરના મતભેદોને કારણે વાટાઘાટો અંતિમ સોદામાં સફળ થઈ ન હતી.
મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, “પ્રાઈમરી માર્કેટ પુરજોશમાં છે. તદુપરાંત ફાર્મા વેલ્યુએશન આકર્ષક દેખાઈ રહ્યા છે, ઓરોબિંદો ફાર્મા હવે યુજિયાના લિસ્ટિંગ માટે તેની વેલ્યૂએશન નિર્ધારિત કરી રહી છે. તેના માટે સલાહકારો સાથે ચર્ચાઓ શરૂ થઈ છે.”
કંપની એક્સિસ કેપિટલ, જેફરીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, અને જેપી મોર્ગન સહિતની ઈન્વેસ્ટમેન્ટ બેન્કોને એડવાઈઝર્સ તરીકે જ્યારે 3 લો ફર્મ્સની નિયુક્તિ કરી છે. કંપની આઈપીઓ મારફત રૂ. 4000થી 5000 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. જો કે, માર્કેટની સ્થિતિને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ અંગે હાલ ઓરબિંદો ફાર્માએ કોઈ ટીપ્પણી કરી નથી.
છેલ્લા આઠ માસમાં ઘણી સ્થાનિક ફાર્મા અને લાઈફ સાયન્સ કંપનીઓએ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યા છે. ગતમહિને એમક્યોર ફાર્માએ પોતાની ઈશ્યૂ સાઈઝ ઘટાડતાં ફરીથી ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. મેનકાઈન્ડ ફાર્માએ ગતવર્ષે બમ્પર લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં કોન્કર્ડ બાયોટેક, બ્લ્યૂ જેટ હેલ્થકેર અને ઈનોવા કેપટેબનો આઈપીઓ યોજાઈ ગયો.
કંપનીએ તેની બોર્ડ મીટિંગના પરિણામના ભાગ રૂપે 12 ઓગસ્ટ, 2023ના રોજ સ્ટોક એક્સચેન્જોને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે, જે યુજિયા ફાર્મા સ્પેશિયાલિટીઝ લિ.ના બિઝનેસનું રિસ્ટ્રક્ચરિગં કરવા માટે તમામ શક્યતાઓ શોધવાની પ્રક્રિયામાં છે. છેલ્લા છ મહિનામાં અરબિંદો ફાર્માના શેરના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.