મુંબઈ, 2 ઓગસ્ટ: બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે ફોર્ચ્યુન 500 કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. MOUની શરતો હેઠળ બ્રૂકફિલ્ડ ઓસ્ટ્રેલિયાના નેટ ઝીરો લક્ષ્યાંકો માટેના પરિવર્તનને સરળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સીધા મૂડી રોકાણ અને કૌશલ્ય, જ્ઞાન તથા નિપુણતા માટેની તકો શોધવા માટે રિલાયન્સ સાથે કામ કરશે.

ઑરિજિન એનર્જી માર્કેટ્સ સહિત બજારમાં અન્ય તમામ ખેલાડીઓ માટે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સાધનો બનાવવા/અથવા એસેમ્બલ કરવા માટે ઑસ્ટ્રેલિયામાં અદ્યતન કામગીરીની સ્થાપના કરવાના હેતુસર રિલાયન્સ અને બ્રૂકફિલ્ડ મૂલ્યાંકન કરશે. રિલાયન્સ સોલર પેનલ ટેક્નોલોજી અને લાંબો સમય ચાલે તેવી બેટરી સ્ટોરેજ ટેક્નોલોજીમાં અનન્ય કુશળતા ધરાવે છે. હાલમાં ભારતમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઓમાંની એક ફેસિલિટી સ્થાપવા માટેની રિલાયન્સની કામગીરી ચાલુ છે.

ઓરિજિન એનર્જી માર્કેટ ડિવિઝનના સૂચિત હસ્તાંતરણના ભાગરૂપે બ્રૂકફિલ્ડ તેના સંસ્થાકીય ભાગીદારો અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો જીઆઇસી અને ટેમાસેકે તેની ઊર્જા સ્ત્રોતના પરિવર્તનને વેગ આપવા માટે આગામી દસ વર્ષમાં 20 બિલિયનથી 30 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર જેટલું રોકાણ કરવાની યોજના તૈયાર કરી છે.

રિલાયન્સ સાથેના MOU પાછળનો હેતુ ઓસ્ટ્રેલિયામાં 14 ગીગાવોટ સુધીની વિશાળ ઉત્પાદન અને સ્ટોરેજ ક્ષમતા માટે જરૂરી સ્વચ્છ ઊર્જાના સાધનોની આપૂર્તિ અને પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. બ્રૂકફિલ્ડ માટે હાથ ધરાયેલું સ્વતંત્ર વિશ્લેષણ દર્શાવે છે કે ઊર્જા પરિવર્તન માટે ઓનશોર સોવેરિન મેન્યુફેક્ચરિંગ ક્ષમતાની સ્થાપના અંદાજે 18,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.

ઑસ્ટ્રેલિયાના બ્રૂકફિલ્ડ રિન્યુએબલ હેડ લ્યુક એડવર્ડ્સે જણાવ્યું  કે મેન્યુફેક્ચરિંગમાં નવા યુગની શરૂઆત કરવામાં મદદ કરવા માંગીએ છીએ, તે સ્થાનિક રિન્યુએબલ ડેવલપર્સને લાભકર્તા બનશે, તેમાં ઓરિજિન એનર્જી માર્કેટ્સ અને ઑસ્ટ્રેલિયાની આસપાસના ઘણા હિતધારકોનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાના 2030માં ઉત્સર્જન ઘટાડવાના પ્રાથમિક લક્ષ્યો સુધી પહોંચવા માટે સતત ઘટતી સમયમર્યાદાને જોતાં અમે મેન્યુફેક્ચરિંગમાં આ પ્રકારની વૈશ્વિક ભાગીદારી હવે સ્થાપિત કરી રહ્યા છીએ.

રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે: અમે વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમ તૈયાર કરવાના મિશન માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છીએ જે માનવતા માટે ફાયદાકારક અને પ્રકૃતિ સાથે સુસંગત છે. તેના માટે રિલાયન્સ ભારતમાં તથા વૈશ્વિક સ્તરે ખૂબ જ ઉત્સાહ અને જુસ્સા સાથે રોકાણની તકો શોધી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે રિલાયન્સ અને બ્રૂકફિલ્ડ ઑસ્ટ્રેલિયામાં ગ્રીન એનર્જી ઉત્પાદનના માર્ગો શોધશે, તેનાથી નેટ ઝીરો ફ્યૂચર તરફ દેશના પરિવર્તનને વેગ મળશે અને વૈશ્વિક ગ્રીન એનર્જી અભિયાનને પ્રોત્સાહન મળશે.

અમેરિકાના નેવાડામાં US$30 બિલિયન ઇન્ટેલ ચિપ પ્લાન્ટમાં રોકાણ સહિતની આવશ્યક તથા વ્યૂહાત્મક ઉત્પાદન પ્રક્રિયાઓને પુનઃસ્થાપિત કરવાના મોટા પાયાના રોકાણો અને તેના જેવી સપ્લાય ચેઇન તૈયાર કરવાના નવીન અભિગમ થકી બ્રૂકફિલ્ડ આ ઉત્પાદન પહેલોને સમર્થન આપવા માટે પોતાને અનોખા સ્થાને સ્થાપિત કરે છે.