BSEનું રૂ13.50 અંતિમ ડિવિડન્ડ, નફો 76 ટકા વધ્યો
BSEએ નાણાકીય વર્ષ 2021-22 માટે બોનસ ઈશ્યુ મારફતે વધારાયેલી ઈક્વિટી મૂડી પર રૂ.2ની મૂળ કિંમતના ઈક્વિટી શેરદીઠ રૂ.13.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોન્સોલિડેટેડ અને વહેંચણીપાત્ર નફો આગલા વર્ષના રૂ.144.90 કરોડથી 76 ટકા વધીને રૂ.254.33 કરોડ થયો છે. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ કાર્યકારી નફો રૂ.38.84 કરોડથી પાંચ ગણો વધીને રૂ.213.14 કરોડ થયો છે. BSEનું સરેરાશ દૈનિક ટર્નઓવર નાણાકીય વર્ષ 2022માં 29 ટકા વધીને રૂ.5,396 કરોડ થયું છે. BSEનાં નાણાકીય પરિણામ અંગે ટિપ્પણ કરતાં BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું કે છેલ્લાં થોડાં વર્ષોથી અમે સંસ્થાઓ અને રોકાણકારો માટે એવાં પ્રોડક્ટ્સ અને માર્કેટ્સ સ્થાપવાનો વ્યૂહ વિકસાવ્યો છે કે જે બધી આર્થિક પરિસ્થિતિઓમાં વિકાસ કરી શકે એટલે BSE સાચા અર્થમાં ઓલ વેધર એક્સચેન્જ તરીકે ઊભર્યું છે. નાણાકીય વર્ષ 2023ના પ્રારંભે અમે વિવિધ અસ્ક્યામતોના વર્ગના પ્રવાહોનો લાભ ઉઠાવવા સક્ષમ છીએ અને અમારી સમક્ષની ઘણી તકોને ઝડપી લેવા પર અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.