અમદાવાદ, 1 માર્ચઃ વિદેશમાં રહેવાની ઘેલછા તેમજ નાગરિક્તા મેળવવામાં વિલંબના કારણે મોટાભાગે લોકો વિદેશમાં બાળકને જન્મ આપતાં હોવાનું જાણવા અને સાંભળવા મળે છે. જેના માધ્યમથી માતા-પિતા પણ કાયમી વસવાટ માટે માન્ય થતા હોવાની માન્યતા છે. પરંતુ શું તમામ દેશ પોતાની જમીન પર જન્મેલા બાળકને સિટિઝનશીપ આપે છે? ના, ઘણા દેશોએ અમુક શરતો અને નીતિઓના આધારે બાળકના જન્મ મુદ્દે સિટિઝનશીપ નિર્ધારિત કરી છે. અહીં અમુક દેશોની યાદી આપવામાં આવી છે કે, જેઓ બાળકના જન્મ પર નજીવી શરતો સાથે અથવા બિનશરતી સિટિઝનશીપ આપી રહ્યા છે.

હાલમાં જ દેશના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ લંડનમાં પુત્ર અકાયને જન્મ આપ્યો છે. જેના પરથી અહેવાલો મળી રહ્યા હતા કે, અકાય હવે બ્રિટિશ સિટિઝન બન્યો છે. પરંતુ નિયમો તો કંઈક અલગ જ ચિત્ર દર્શાવી રહ્યા છે.

યુનાઈટેડ કિંગ્ડમ

યુકેની ધરતી પર જન્મ લેનાર બાળક ત્યારે જ સિટિઝન બને છે, જ્યારે તેના માતા-પિતામાંથી ગમે તે એક યુકેમાં PR ધરાવતા હોય.

ફ્રાન્સ

ફ્રાન્સમાં જન્મ લેનાર બાળક ત્યારે જ ત્યાંનો નાગરિક થઈ શકે છે, જ્યારે તેના માતા-પિતામાંથી ગમે-તે એક ફ્રાન્સમાં જન્મેલા હોય. અને જો બંને જણ વિદેશી હોય તો બાળક જ્યારે 13 વર્ષનું થાય ત્યારે વતનનું નાગરિકત્વ છોડવાની શરતે ફ્રાન્સનું નાગરિકત્વ મેળવી શકે છે.

જર્મની

જર્મનીમાં બાળકના જન્મ પહેલાં માતા-પિતા ઓછામાં ઓછા આઠ વર્ષ સુધી જર્મનીમાં સ્થાયી હોવા જોઈએ.  અથવા વાલીમાંથી ગમે-તે એક પાસે 3 વર્ષ માટે PR હોવા જોઈએ.

ગ્રીસ

જો બાળક અનાથ હોય તો તેને ગ્રીસનું નાગરિકત્વ આપવામાં આવે છે, તદુપરાંત બાળકના જન્મ પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી દેશમાં સ્થાયી થયેલા વાલીના બાળકને સિટીઝન શીપ મળે છે.

કેનેડા

કેનેડામાં ઓટોમેટિક બાળકને સિટિઝનશીપ મળે છે. જો કે, રાજદ્વારીઓના બાળકોને સિટિઝનશીપ મળતી નથી.

અમેરિકા

અમેરિકામાં પણ બાળકને જન્મજાત સિટિઝનશીપ મળે છે. જો કે, રાજદ્વારીઓના બાળકોને નાગરિકત્વ મળતુ નથી.

આયર્લેન્ડ

બાળકના જન્મ પહેલાં માતાપિતાએ દેશમાં સ્થાયી નિવાસસ્થાન હોવું આવશ્યક છે અથવા ઓછામાં ઓછા 4 વર્ષ સુધી દેશમાં કાયદેસર રીતે રહેતા હોવા જોઈએ.

આર્જેન્ટિના

રાજદ્વારીઓના બાળકો સિવાય તમામ બાળકને જન્મજાત સિટિઝનશીપ મળે છે.

બ્રાઝિલ

રાજદ્વારીઓના બાળકોને બાકાત રાખતાં બાળકને જન્મજાત નાગરિકત્વ મળે છે.

ઓસ્ટ્રેલિયા

બાળકના વાલીમાંથી ગમે-તે એક પાસે PR હોવા જોઈએ, અથવા બાળક 10 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી વસવાટ કરતુ હોવુ જોઈએ. તેમજ વતનનું નાગરિકત્વ છોડવુ પડશે.

ન્યુઝિલેન્ડ

ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બાળક કોઈપણ દેશનું નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ નહિં. અથવા તેમના માતા-પિતામાંથી ગમે તે એક PR હોવા જરૂરી છે.

કંબોડિયા

દેશમાં કાયદેસર રીતે રહેતાં દંપત્તિનુ બાળક નાગરિકત્વ માટે લાયક ગણાય છે.

પાકિસ્તાન

પાકિસ્તાનમાં જન્મેલા તમામ બાળકો જન્મજાત નાગરિકત્વ પ્રાપ્ત કરે છે. જો કે, રાજદ્વારીઓના બાળકોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.