CRYPTO CRYSIS: ક્રિપ્ટો માર્કેટમાં મંદી, FTX ટોકન 75% ઘટ્યો
ડોઝકોઈનનું મૂલ્ય 20 ટકા ઘટ્યું, સોલાનામાં 17 ટકાનો ઘટાડો
નવી દિલ્હી: ક્રિપ્ટો માર્કેટ છેલ્લા 3 મહિનાથી મંદીનો સામનો કરી રહ્યું છે. મોટાપાયે વોલેટેલિટીના પગલે FTX ટોકન 75 ટકા સુધી તૂટી ચૂક્યો છે. Binance દ્વારા FTX એક્સચેન્જના મર્જરની જાહેરાત કર્યા પછી આ ટોકનમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. FTXના ફાઉન્ડર સેમ બેન્કમેન-ફ્રાઈડે જણાવ્યું હતું કે એક્સચેન્જ સારી સ્થિતિમાં છે અને ટેકઓવર અંગે જે ચિંતાઓ ઊભી થઈ છે તે અફવા છે. આ સિવાય અન્ય ક્રિપ્ટો ટોકન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
કયા કયા ક્રિપ્ટો ટોકન્સમાં ઘટાડો નોંધાયો
ડોઝકોઈનનું મૂલ્ય 20 ટકા ઘટ્યું છે. સોલાનામાં 17 ટકાનો ઘટાડો થયો છે. ઇથેરિયમ, પોલીગોન અને XRPમાં 15-15 ટકાનું બ્રેકડાઉન જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપમાં 10%નો ઘટાડો થયો છે. FTX અને Alameda Research રોકડની તંગીનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલો મળતાં Binance સ્પર્ધાત્મક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ FTX ખરીદવા સંમત થયા હોવાના ચોંકાવનારા સમાચારના પગલે ક્રિપ્ટોમાં વેચવાલી વધી છે.
CoinDCX રિસર્ચ ટીમે જણાવ્યું છે કે FTXની લિક્વિડિટી અંગેની ચિંતાઓ વચ્ચે Binance દ્વારા Sam Bankman Friedના FTXને ટેકઓવર કરવાથી તેમની બેલેન્સ શીટ પર પ્રશ્નો ઉભા થયા છે કારણ કે તેઓ વારંવાર તેમના પોતાના FTT ટોકન્સનો કોલેટરલ તરીકે ઉધાર લઈ રહ્યા છે.
આ સમગ્ર ઘટનાને કારણે બુધવારે ક્રિપ્ટો માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી હતી અને બિટકોઈન સહિત તમામ ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા પછી ક્રિપ્ટો માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
ટોચની ક્રિપ્ટો કરન્સીમાં સાપ્તાહિક 20થી 25 ટકાનો કડાકો
ક્રિપ્ટો કરન્સી | આજનો ભાવ | સાપ્તાહિક ઘટાડો |
Bitcoin | $17,894.48 | 12.48% |
Ethereum | $1,233.20 | 20.85% |
XRP | $0.379 | 16.60% |
Dogecoin | $0.08862 | 32.29% |
Solana | $20.28 | 35.03% |