વિશ્વની ટોચની 750 શ્રેષ્ઠ કંપનીઓમાં ભારતીય કંપનીનું સ્થાન

ક્રમકંપનીસ્કોર
64ઈન્ફોસિસ88.38
174વિપ્રો85.67
210મહિન્દ્રા85.13
248રિલાયન્સ84.39
262એચસીએલ ટેક્.84.22
418એચડીએફસી બેન્ક81.99
596WNS Global78.91
642ITC Ltd.77.23
  • 303 કંપનીઓ અમેરિકાની વર્લ્ડ ટોપ-750 કંપનીઓમાં
  • 28 કેનેડિયન કંપનીઓએ ટાઈમની યાદીમાં સ્થાન મેળવ્યું
  • Microsoft, Apple, Alphabet વિશ્વની શ્રેષ્ઠ 3 કંપનીઓ

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ

TIME મેગેઝિને રેવન્યુ ગ્રોથ, ટકાઉપણું અને કર્મચારીઓના સંતોષના સંદર્ભમાં વિશ્વની 750 શ્રેષ્ઠ કંપનીઓની યાદી બહાર પાડી છે. જેમાં આઠ ભારતીય કંપનીઓએ સ્થાન મેળવ્યું છે, ઉલ્લેખનીય છે, એક માત્ર ઈન્ફોસિસે ટોચના 100માં 64માં ક્રમે સ્થાન મેળવ્યું છે. જ્યારે અમેરિકાની માઈક્રોસોફ્ટ, એપલ, આલ્ફાબેટ અને મેટા ટોચની ચાર શ્રેષ્ઠ કંપની બની છે.

TIME એ વિશ્વની ટોચની કામગીરી કરતી કંપનીઓને ઓળખવા માટે ત્રણ પરિમાણો પર ધ્યાન આપ્યું: કર્મચારી સંતોષ, આવક વૃદ્ધિ અને ટકાઉપણું (ESG).

ટાઈમ મેગેઝિને કર્મચારી સંતોષ માટે વિશ્વભરના કર્મચારીઓના સર્વેક્ષણ ડેટાનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કર્યું હતું. જેમાં 58 દેશોના 1.5 લાખથી વધુ કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. બીજું પરિમાણ, રેવન્યુ ગ્રોથમાં છેલ્લા ત્રણ વર્ષના કંપનીના ડેટા પર નજર રાખી મૂલ્યાંકન માટે કંપનીઓએ 2022માં ઓછામાં ઓછી $100 મિલિયનની આવક જનરેટ કરી હોવી જોઈએ અને 2020થી 2022 સુધી પોઝિટીવ ગ્રોથ દર્શાવ્યો હતો. ત્રીજા પરિમાણમાં પર્યાવરણીય અને સામાજિક બંને પરિબળોને ધ્યાનમાં રાખી ઉત્પાદન કરતી કંપનીઓની ગણના કરી હતી.

ઇન્ફોસિસ: TIME મેગેઝિનની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની 2023ની યાદીમાં ટોચના 100માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની ઈન્ફોસિસ હતી, જે હાઈ રેવન્યુ ગ્રોથ સાથે કર્મચારી સંતોષ રેન્ક 103 અને ટકાઉપણામાં 135 રેન્ક સાથે કુલ 88.38નો સ્કોર મેળવી 64મો ક્રમ હાંસિલ કર્યો હતો.

વિપ્રો: પ્રોફેશનલ આઈટી સેવાઓ આપતી બેંગ્લુરૂની વિપ્રો કંપની કર્મચારીઓના સંતોષ પર 240 અને ટકાઉપણું પર 285માં ક્રમે છે. ઓવરઓલ 85.67ના સ્કોર સાથે, તેણે 174મો ક્રમ હાંસલ કર્યો છે.

મહિન્દ્રા ગ્રુપ: મહિન્દ્રા ગ્રૂપે “ખૂબ જ ઊંચા” રેવન્યુ ગ્રોથ સાથે 391નો કર્મચારી સંતોષ સ્કોર મેળવ્યો હતો. ટકાઉપણાની દ્રષ્ટિએ તે 306માં ક્રમે છે. મહિન્દ્રા ગ્રુપે 85.13નો એકંદર સ્કોર મેળવીને 210માં સ્થાન હાંસલ કર્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે TIME મેગેઝિનની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં એકંદરે 248મો ક્રમ મેળવ્યો હતો. જેનો રેવન્યુ ગ્રોથ ઉંચો અને કર્મચારીઓના સંતોષ મામલે 92 સ્કોર મેળવ્યો હતો. જે અન્ય કોઈપણ ભારતીય કંપની કરતાં ઊંચો ક્રમ ધરાવે છે અને ડબલ ડિજિટ રેન્ક હાંસલ કરનારી એકમાત્ર કંપની છે. એકંદરે, સમૂહે 84.39 સ્કોર મેળવી 248માં સ્થાન મેળવ્યું છે.

એચસીએલ ટેક્નોલોજીસ: પ્રોફેશનલ સર્વિસ ફર્મ એચસીએલ ટેક્નોલોજિસે કર્મચારીઓના સંતોષના સંદર્ભમાં 530નો રેન્ક મેળવ્યો છે. ટકાઉપણાની દ્રષ્ટિએ, કંપનીએ 97નો પ્રભાવશાળી રેન્ક મેળવ્યો છે. “યોગ્ય પર્યાવરણીય, સામાજિક અને રેગ્યુલેટરી (ESG) નિયમોનું પાલન કરે છે.” HCL ટેક્નોલોજિસે 84.22ના એકંદર સ્કોર સાથે 262નો રેન્ક મેળવ્યો છે.

HDFC બેન્ક: દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસી બેન્કે 81.99 સ્કોર સાથે આ યાદીમાં 418નું સ્થાન મેળવ્યું છે. તે કર્મચારીઓના સંતોષની દ્રષ્ટિએ 489 અને ટકાઉપણાની દ્રષ્ટિએ 468માં ક્રમે છે. 2020થી 2022 દરમિયાન ઉંચો રેવન્યુ ગ્રોથ દર્શાવ્યો છે.

WNS ગ્લોબલ સર્વિસિઝ: WNS ગ્લોબલ સર્વિસિઝ એ ગ્લોબલ બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે, વિશ્વભરમાં 66 ડિલિવરી કેન્દ્રો છે. કંપનીએ 2020થી 2022 સુધી “મધ્યમ” ગ્રોથ દર્શાવ્યો છે. 335નો કર્મચારી સંતોષ રેન્ક મેળવ્યો છે. તેણે 100માંથી 78.91 સ્કોર સાથે 596નો રેન્ક હાંસલ કર્યો છે.

ITC લિમિટેડ: ITC લિમિટેડનું મુખ્ય મથક કોલકાતા, પશ્ચિમ બંગાળમાં છે. તે હોસ્પિટાલિટી, કન્ઝ્યુમર ગુડ્સ, સોફ્ટવેર, પેકેજિંગ, એગ્રીબિઝનેસ અને વધુમાં હાજરી ધરાવે છે. ITCએ 750 કંપનીઓમાંથી 645નો એમ્પ્લોયી સેટિસફેક્શન રેન્ક મેળવ્યો છે. તેનો ટકાઉપણાનો ક્રમ 642 છે. ITC લિમિટેડે TIMEની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં એકંદરે 672 રેન્ક હાંસલ કરવા માટે 77.23 સ્કોર કર્યો છે.