મુંબઈ, 20 સપ્ટેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રિક ઓક્ટોબરના અંત સુધીમાં 70 કરોડ ડોલર (અંદાજિત રૂ. 5815 કરોડ)નો આઈપીઓ લાવવા ડ્રાફ્ટ ફાઈલ કરશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, ઓલાના વર્તમાન ફંડ એકત્રિકરણને ધ્યાનમાં લેતાં તેની કુલ વેલ્યૂ 5.4 અબજ ડોલર હતી. જેના ટોચના રોકાણકારોમાં સિંગાપોરના Temasek અને જાપાનની સોફ્ટબેન્ક સામેલ છે.

ઓલાએ આ વર્ષે જૂલાઈમાં જ ભારતમાં ઈ-સ્કૂટરની વધતી માગને ધ્યાનમાં રાખી ટૂંકસમયમાં આઈપીઓ લાવવાની જાહેરાત કરી હતી. જેના માટે ઓલા ઈલેક્ટ્રિક એક્ઝિક્યુટીવ્સે કોટક, આઈસીઆઈસીઆઈના ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ યુનિટ, બેન્ક ઓફ અમેરિકા અને ગોલ્ડમેન સાસ સહિતના એડવાઈઝર સાથે વાતચીત કરી હતી. જો કે, હાલના અહેવાલ મામલે ઓલા અને કોટકે કોઈ માહિતી આપી નથી.

આવતા વર્ષે આઈપીઓ લાવશે

ઓલા ઈલેક્ટ્રિક રેગ્યુલેટરી ફાઈલિંગ બાદ મંજૂરી મળે તો આગામી વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આઈપીઓ માટે રોડશો કરવાની યોજના ધરાવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દેશના ઈ-સ્કૂટર માર્કેટમાં ઓલાનો હિસ્સો 30 ટકા છે. ઓલા ઈલેક્ટ્રિકે માર્ચ-23ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં 33.5 કરોડ ડોલરની આવક સાથે 13.6 કરોડ ડોલરની ખોટ કરી હતી.