એક્સિટા કોટન: 1:3 બોનસ ઇશ્યૂની જાહેરાત, રૂ. 3.54 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
અમદાવાદ, 12 ઓગસ્ટઃ ભારતમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કપાસની ગાંસડીઓ, કપાસના બીજ અને સુતરાઉ યાર્નના નિકાસકારોના અગ્રણી ઉત્પાદકોમાંની એક એક્સિટા કોટન લિમિટેડે 1:3ના ગુણોત્તરમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ 30 જૂન, 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો પણ જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 3.54 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જ્યારે કરવેરા પહેલાનો નફો રૂ. 4.96 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક રૂ. 154.96 કરોડ અને એબિટા રૂ. 5.73 કરોડ રહી હતી.
પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની કામગીરી અંગે એક્સિટા કોટન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગની પડકારજનક સ્થિતિ અને વૈશ્વિક સુસ્તી છતાં મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં સફળ રહ્યા છીએ. 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 20.33 કરોડનો ચોખ્ખો નફો, રૂ. 27.30 કરોડનો કરવેરા પહેલાંનો નફો અને રૂ. 1,104.38 કરોડની કુલ આવક નોંધાવી હતી. એક્સિટા કોટનની ઉત્પાદન સુવિધા વ્યૂહાત્મક રીતે ગુજરાતના મહેસાણા જિલ્લામાં કડી ખાતે આવેલી છે. 2020માં ઓર્ગેનિક કપાસનું વૈશ્વિક બજાર 1.3 બિલિયન ડોલરનું હતું અને 2025 સુધીમાં તે વધીને 2.5 બિલિયન ડોલર થવાની ધારણા છે.
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને તેની સુદ્રઢ લોકશાહી અને મજબૂત ભાગીદારીઓને કારણે આગામી દાયકામાં તે ટોચની આર્થિક શક્તિઓમાંની એક બનશે તેવી આગાહી કરવામાં આવી છે. ભારત વૈશ્વિક સ્તરે કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ એક એવો પાક છે જે ભારતીય અર્થતંત્ર અને ભારતીય કપાસના ખેડૂતોની આજીવિકા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડિયા પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક ફાઇબર ઉત્પાદનમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)