અમદાવાદ, 11 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર મેન્યુફેક્ચરર ઓલા ઈલેક્ટ્રિક 5800 કરોડનો આઈપીઓ લાવવા તૈયાર છે. જે 20 ડિસેમ્બર સુધી માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરશે. લગભગ બે દાયકા બાદ ઓટો સેક્ટરની કોઈ કંપની આઈપીઓ લાવી રહી છે. અગાઉ 2003માં મારુતિ સુઝુકી ઈન્ડિયાએ આઈપીઓ યોજ્યો હતો.

SoftBank-સમર્થિત કંપનીનો ધ્યેય 2024ની શરૂઆતમાં $7-8 અબજની વેલ્યૂએશન હાંસિલ કરવાનો છે. IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ઓલા ઇલેક્ટ્રિકના EV બિઝનેસના વિસ્તરણ અને લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે કરશે.

Olaએ પોતાના વેચાણ લક્ષ્યાંકમાં ઘટાડો કર્યો

ઓલા ઈલેક્ટ્રિકે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, તેણે પોતાના વેચાણ લક્ષ્યાંક 2023-2025ના સમયગાળા માટે 50 ટકાથી વધુ ઘટાડ્યા છે. તેમજ નફાકારક કંપની બનવાનો ધ્યેય વધુ એક વર્ષ લંબાવ્યો છે. આ નિર્ણય ઘટતા સરકારી પ્રોત્સાહનોની અસરને આભારી છે, જેના કારણે ઈ-સ્કૂટરના ભાવમાં વધારો થયો છે. વર્તમાન નાણાકીય વર્ષનો મહેસૂલ લક્ષ્યાંક સુધારીને $591 મિલિયન કરવામાં આવ્યો છે, જે $1.55 બિલિયનના પ્રારંભિક લક્ષ્યાંકથી આશરે 60 ટકાનો ઘટાડો છે.

ઓલા ઈલેક્ટ્રીકએ તેના આઈપીઓની તૈયારીના નિર્ણાયક પગલા તરીકે 17 નવેમ્બરે પબ્લિક કંપનીમાં ટ્રાન્સફર થઈ હતી.. આ નોંધપાત્ર માઇલસ્ટોનમાં કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ સામેલ છે અને તેના કારણે કંપનીનું નામ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડમાંથી ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ થયું છે.

પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું પબ્લિક કંપનીમાં રૂપાંતર એ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવા ઇચ્છતી કંપનીઓ માટે જરૂરી પ્રક્રિયા છે. ઓલા ઈલેક્ટ્રીક 2024ની શરૂઆતમાં IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ અને ગોલ્ડમેન સાસ સાથે જોડાઈ છે.

3200 કરોડનું ફંડ એકત્ર કર્યું

તાજેતરમાં, ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ અગ્રણીએ જાહેરાત કરી હતી કે તેણે ટેમાસેકની આગેવાની હેઠળના અગ્રણી રોકાણકારોના ડેટ અને ઇક્વિટી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના દેવાના મિશ્રણ સાથે રૂ. 3,200 કરોડ (અંદાજે $380 મિલિયન) ભંડોળ પૂરું પાડ્યું છે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ઓલાના EV બિઝનેસના વિસ્તરણ માટે અને તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ભારતની પ્રથમ લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે કરવામાં આવશે.

ઓલા ઇલેક્ટ્રિકે ફેબ્રુઆરી 2023માં તેના સ્કૂટર પોર્ટફોલિયોને પાંચ પ્રોડક્ટ્સ સુધી વિસ્તાર્યો હતો.