BSNL માટે રૂ. 89,000 કરોડના રિવાઇવલ પ્લાનને કેબિનેટની મંજૂરી
નવી દિલ્હી, 7 જૂનઃ કેન્દ્રીય કેબિનેટે સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે રૂ. 89,047 કરોડ ($10.79 બિલિયન)ના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી છે. જેમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા કંપની માટે 4G/5G સ્પેક્ટ્રમની ફાળવણીનો સમાવેશ થાય છે. બીએસએનએલની અધિકૃત મૂડી હવે રૂ. 1,50,000 કરોડથી વધી રૂ. 2,10,000 કરોડ થશે. દેશમાં 4G નેટવર્ક માટે BSNL અને Tata Consultancy Services (TCS) વચ્ચે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આ પેકેજ અંગે જાહેરાત કરવામાં આવી છે. BSNL લાંબા સમયથી નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંઘર્ષ કરી રહ્યું છે. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાની મજબૂત સ્પર્ધાનો સામનો કરી રહી છે. BSNLના તમામ હરીફોએ વોઇસ કોલ અને ડેટા પર ઓછી કિંમતે 4G સેવાઓ શરૂ કરી છે.
બીએસએનએલની સુવિધાઓઃ પાન ઇન્ડિયા 4G અને 5G સેવાઓ પ્રદાન કરશે
વિવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ હેઠળ ગ્રામીણ અને ખુલ્લા ગામોમાં 4G કવરેજ પ્રદાન કરશે
હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) સેવાઓ પ્રદાન કરશે
કેપ્ટિવ નોન-પબ્લિક નેટવર્ક (CNPN) માટે સેવાઓ/સ્પેક્ટ્રમ પ્રદાન કરશે
અગાઉ 69 હજાર કરોડનું પેકેજ મળ્યુ હતું
2019માં, સરકારે BSNL/MTNL માટે પહેલું રિવાઈવલ પેકેજ પાસ કર્યું હતું. તેમાં રૂ. 69,000 કરોડની રકમનો સમાવેશ થાય છે, અને સરકારના દાવા મુજબ, પેકેજની મદદથી BSNL/MTNLમાં સ્થિરતા લાવી હતી. બાદમાં કેબિનેટે 2022માં, BSNL માટે રૂ. 1.64-લાખ-કરોડની કિંમતનો ચાર વર્ષનો રિવાઈવલ પ્લાન પસાર કર્યો હતો. 2022માં, સરકારે BSNL/MTNL માટે રૂ.1.64 લાખ કરોડનું બીજું રિવાઈવલ પેકેજ મંજૂર કર્યું હતું. જેમાં કેપેક્સ માટે નાણાકીય સહાય, ગ્રામીણ લેન્ડલાઇન્સ માટે સદ્ધરતા ગેપ ફંડિંગ, બેલેન્સ શીટને દૂર કરવા માટે નાણાકીય સહાય, અને AGR લેણાંની પતાવટ, BBNLનું BSNL સાથે મર્જર, વગેરે સેવાઓ સમાવિષ્ટ હતી. સરકારી ડેટા મુજબ, આ બે પેકેજોએ મળીને BSNLને નાણાકીય વર્ષ 2021-22 થી ઓપરેટિંગ નફો કમાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત, BSNLનું કુલ દેવું રૂ. 32,944 કરોડથી ઘટીને રૂ. 22,289 કરોડ થયું છે.