FORBS 2022: ભારતના ટોપ-100 ધનિકોમાં ગૌતમ અદાણી ટોચ પર, ટોપ-10માં પ્રથમવાર મહિલાની એન્ટ્રી
ભારતના ટોપ 100ની કુલ સંપત્તિ 25 અબજ ડોલર વધી 800 અબજ ડોલર
ભારતના 10 સૌથી ધનિક લોકો પાસે $385 અબજની કુલ સંપત્તિ
પ્રથમ સ્થાન મેળવનાર અદાણી પાસે $150 અબજની સંપત્તિ
ટોપ-10માં શામેલ સાવિત્રી જિંદલની સંપત્તિ 16.4 અબજ ડોલર
નવી દિલ્હી: ભારતના ટોપ 100 રિચેસ્ટ વ્યક્તિઓની યાદીમાં ખાસ્સા વર્ષો પછી પ્રથમ સ્થાને મુકેશ અંબાણીના સ્થાને ગૌતમ અદાણી આવવાથી ફેરફાર થયો છે.
ફોર્બ્સે ભારતની 100 સૌથી ધનિક વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર ભારતના 100 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ 25 અબજ ડોલરના વધારા સાથે 800 અબજ ડોલર સુધી પહોંચી છે. ગયા વર્ષની સરખામણીમાં શેરબજારમાં થોડો ઘટાડો થયો ત્યારે આ અમીર લોકોની સંપત્તિમાં તેજી આવી હતી. FORBSની આ યાદીમાં ગૌતમ અદાણી ટોચ પર છે જ્યારે મુકેશ અંબાણીએ બીજું સ્થાન મેળવ્યું છે.
FORBSના જણાવ્યા અનુસાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના દિગ્ગજ ગૌતમ અદાણીની સંપત્તિમાં આવેલી તેજીને કારણે ઘણા વર્ષો પછી પ્રથમ વખત ટોપ ઓર્ડરમાં ફેરફાર થયો છે. FORBSના ડેટા અનુસાર, ભારતના 10 સૌથી ધનિક લોકો પાસે $385 અબજની કુલ સંપત્તિ છે. આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર અદાણી પાસે $150 અબજની સંપત્તિ છે. સૌથી ધનિક મહિલાની કુલ સંપત્તિ 16.4 અબજ ડોલર હોવાનો અંદાજ છે. આ યાદીમાં નવ મહિલાઓ છે. આ યાદીમાં ઓછામાં ઓછા $1.9 અબજની સંપત્તિ ધરાવતા ધનકુબેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૌતમ અદાણીઃ અદાણી ગ્રુપના ચેરપર્સનની કુલ નેટવર્થ અંદાજિત રૂ. 12,11,460.11 કરોડ છે. 2021માં, તેમની સંપત્તિ ત્રણ ગણી વધી હતી. તેઓ 2022માં પ્રથમ વખત ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.
મુકેશ અંબાણી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને MD મુકેશ અંબાણીની કુલ નેટવર્થ અંદાજિત રૂ. 7,10,723.26 કરોડ છે. 2013 બાદ પ્રથમ વખત તે આ યાદીમાં બીજા સ્થાને પહોંચ્યા છે.
રાધાકિશન દામાણીઃ સુપરમાર્કેટ ચેઈન ડીમાર્ટના માલિક રાધાકિશન દામાણીની કુલ નેટવર્થ અંદાજિત રૂ. 2,22,908.66 કરોડ છે. દામાણીએ 2002માં રિટેલ જગતમાં પ્રવેશ કર્યો હતો. હવે કંપનીના સ્ટોર્સની સંખ્યા 271 પર પહોંચી ગઈ છે.
સાયરસ પૂનાવાલાઃ વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ 173,642.62 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે.
શિવ નાદર: શિવ નાદર, HCL ટેક્નૉલૉજીના ચેરમેન એમેરિટસ, કુલ રૂ. 1,72,834.97 કરોડની સંપત્તિ ધરાવે છે.
TOP-10 ભારતીય ધનાઢ્યોમાં સૌપ્રથમવાર મહિલાની એન્ટ્રાઃ સાવિત્રી જિંદાલ
FORBSની ટોપ 10 યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલ એકમાત્ર મહિલા છે. તેમની કુલ નેટવર્થ 132,452.97 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. આ યાદીમાં સન ફાર્માસ્યુટિકલના સ્થાપક દિલીપ સંઘવી, હિન્દુજા બ્રધર્સ, કુમાર બિરલા, બજાજ પરિવારનો પણ સમાવેશ થાય છે.
ટોપ-10 સૌથી ધનિક ભારતીયો
ક્રમ | નામ | સંપત્તિ |
1. | ગૌતમ અદાણી | $150 અબજ |
2. | મુકેશ અંબાણી | $88 અબજ |
3. | રાધાકિશન દામાણી | $27.6 અબજ |
4. | સાયરસ પુનાવાલા | $21.5 અબજ |
5. | શીવ નાદર | $21.4 અબજ |
6. | સાવિત્રી જિંદાલ | $16.4 અબજ |
7. | દિલિપ સંઘવી | $15.5 અબજ |
8. | હિન્દુજા બ્રધર્સ | $15.2 અબજ |
9. | કુમાર બિરલા | $15 અબજ |
10. | બજાજ ફેમિલી | $14.6 અબજ |
(સ્રોતઃ ForbesIndia)