નવી દિલ્હી, 11 જુલાઇઃ ખાણકામ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા લિમિટેડ સાથેના $19.5 અબજના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી બહાર થયા બાદ ફોક્સકોને પોતાનો અલાયદો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળ મળતા પ્રોત્સાહનો માટે ફોક્સકોન ટૂંકસમયમાં અરજી કરવાની યોજના ધરાવે છે.

કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફોક્સકોન ભારત માટે પ્રતિબદ્ધ છે અને દેશને સફળતાપૂર્વક મજબૂત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ સ્થાપિત કરી રહ્યું છે. ફોક્સકોન અરજી કરવા માટે કામ કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહન માર્કેટમાં વૈવિધ્યકરણ અને વિસ્તરણના અનુસંધાનમાં, એપલના અગ્રણી સપ્લાયર ફોક્સકોન, ઘણા સમયથી ચિપ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રયત્નશીલ છે.

Foxconn ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન વધારવા માટે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સક્રિય વાટાઘાટો કરી રહી છે જેથી ઇલેક્ટ્રિક વાહનો સહિત ઉત્પાદનો માટે પરિપક્વ ચિપ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. ફોક્સકોનના જણાવ્યા મુજબ, વેદાંતા સાથેના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી ખસી જવાનો નિર્ણય પરસ્પર માન્યતા પર આધારિત હતો કે પ્રોજેક્ટ ઇચ્છિત ગતિએ આગળ વધી રહ્યો નથી, અને તેમાં પડકારો વધુ હતા જેને સરળતાથી દૂર કરી શકાયા નથી. જો કે, ફોક્સકોને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિકાસને નકારાત્મક તરીકે જોવો જોઈએ નહીં. તાઇવાનના ફોક્સકોને મેટલ્સ-ટુ-ઓઇલ ગ્રૂપ સાથેના $19.5 અબજના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી બહાર નીકળ્યા હોવાની જાહેરાત કરતાં આજે વેદાંતાના શેર 2 ટકાથી વધુ તૂટ્યા હતા.