અમેરિકામાં એનર્જી અને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં 10 અબજના રોકાણની ગૌતમ અદાણીની ઘોષણા
અમદાવાદ, 15 નવેમ્બરઃ અદાણી ગ્રૂપ હવે અમેરિકામાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી બિઝનેસનો વ્યાપ વધારશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપની યુએસમાં એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 15 હજાર નવી નોકરીઓનું સર્જન થશે. અદાણી જૂથ ભારતમાં ઊર્જા ક્ષેત્રે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જી જેવી ત્રણ લિસ્ટેડ એન્ટિટી ધરાવે છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં ભાગીદારી ઉત્તરોત્તર વધી રહી છે. તાજેતરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનો સારો મિત્ર ગણાવ્યો હતો. હવે અદાણી ગ્રુપે અમેરિકાના એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરતા બંને દેશો વચ્ચેના વ્યાપારીક સબંધો વધુ મજબૂત અને વ્યાપક બનશે.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. અદાણી ગ્રૂપ અમેરિકાની ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે.”
ઉલ્લેખનીય છે કે, અગાઉ, અદાણી જૂથે દેશના મેટલ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ મેટલ ઈન્ડસ્ટ્રીમાં 5 બિલિયન ડૉલર (લગભગ 42 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરી રહ્યું છે. જેમાં કોપર, આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમના ખાણકામ, રિફાઇનિંગ અને ઉત્પાદન પર ફોકસ કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં જેવા દેશોમાં કોમર્શિયલ ખાણો પણ ધરાવે છે.
મંગળવારે ગૌતમ અદાણીએ EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ઉચ્ચસ્તરીય મુલાકાત યોજી હતી. જેમાં યુરોપિયન યુનિયનના રિન્યુએબલ ફ્યુઅલ્સ ઓફ નોન-બાયોલોજીકલ ઓરિજિન (RFNBO) ધોરણોનું પાલન કરવાના ઉદ્દેશ્ય સાથે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના વિસ્તરણ માટે જૂથની વ્યૂહાત્મક યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. આ પહેલ ગ્રીન એનર્જીમાં $70 બિલિયનના રોકાણનો એક ભાગ છે, જેમાં ભારતની સૌથી મોટી સૌર ઉર્જા સ્થાપનનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)