નવી દિલ્હી

અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વેચવાલીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટુ ગાબડું પડ્યું છે. પરિણામે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાનેથી સીધા 11માં નંબરે પહોંચ્યા છે.

વિશ્વના ટોચના ધનિકોમાં બર્નાડ પ્રથમ ક્રમે, એલન મસ્ક બીજા ક્રમે અને એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા ક્રમે પહોંચ્યા છે.

અદાણી ગ્રૂપના શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે જાન્યુઆરીમાં અદાણીની સંપત્તિમાં $36 અબજનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના લીધે ગૌતમ અદાણી વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદી (World’s 10 Most Richest Billionaires List)માંથી બહાર થઈ ગયા છે.

વિશ્વના ટોચના ધનિકોની યાદી, સ્રોતઃ Bloomberg Billionaire Index

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી 84.4 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની યાદીમાં 11મા ક્રમે છે. વિશ્વના ટોચના 500 સૌથી અમીર પુરૂષો અને મહિલાઓની યાદીમાં, અદાણીની નેટવર્થમાં કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 12માં સ્થાને છે.

હિન્ડેનબર્ગ રિસર્ચએ ગયા અઠવાડિયે 32,000-શબ્દનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં હિંડનબર્ગે વિવિધ પ્રકારની છેતરપિંડી, અનિયમિતતા અને સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો. ત્યારથી અદાણી ગ્રૂપના શેરોમાં દરરોજ અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

બ્લૂમબર્ગના ડેટામાં બહાર આવ્યું છે કે છેલ્લા ત્રણ સત્રમાં અદાણીએ $34 બિલિયનનું નુકસાન કર્યું છે. તેનું કારણ એ છે કે તેમની કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 25 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

અદાણીના લિસ્ટેડ સ્ટોક્સની સ્થિતિ એક નજરે: Adani Groupની 3 કંપનીઓ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલમરમાં આજે ફરી લોઅર સર્કિટ વાગી હતી. અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 3.35 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

સ્ક્રિપ્સછેલ્લો ભાવઘટાડો
Adani Enterprises2975+3.35 %
Adani  Transmission1737.55+1.61%
Adani Power223.90-4.99%
Adani Green Energy1168.10-1.65%
Adani  Ports610.10+2.22%
Adani Total Gas2112.90-10.00%
Adani Wilmar466.90-5%