ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ફિનટેક ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગર, 20 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (ગિફ્ટ આઇએફઆઇ) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (ગિફ્ટ આઇએફઆઇએચ)નું ઉદ્ઘાટન કર્યું હતું , જે ફાઇનાન્સિયલ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવાની ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)નો ટેકો ધરાવતી આ પહેલ ઈનોવેશનને પ્રોત્સાહન આપીને, કુશળ વર્કફોર્સ વિકસાવી અને અગ્રણી આંતરરાષ્ટ્રીય ફિનટેક હબ તરીકે ગિફ્ટ સિટીની સ્થિતિને મજબૂત કરીને દેશનાં ફિનટેક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા માટે મદદરૂપ થશે.
અમદાવાદ યુનિવર્સિટી, આઈઆઈટી ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોને સમાવતા કન્સોર્ટિયમની આગેવાની હેઠળ ગિફ્ટ આઈએફઆઈ વિશ્વ સ્તરીય તાલીમ પ્રોગ્રામ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંસ્થાના અભ્યાસક્રમો જાન્યુઆરી 2025થી શરૂ થનારા છે. તેમાં વ્યાવસાયિકોને વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં આગળ વધવા માટે આવશ્યક ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવામાં આવશે.
ગ્લોબલ એક્સિલેટર પ્લેટફોર્મ પ્લગ એન્ડ પ્લેની આગેવાની ધરાવતા ગિફ્ટ આઈએફઆઈએચનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. ગિફ્ટ આઈએફઆઈએચ એ એક ફિનટેક ઇન્ક્યુબેટર છે, જે સ્ટાર્ટ-અપ્સને જરૂરી સંસાધનો, માર્ગદર્શન અને વિસ્તૃત નેટવર્ક્સની ઍક્સેસ પ્રદાન કરશે તેમજ આ સ્ટાર્ટઅપ્સને સ્પર્ધાત્મક ફિનટેક લેન્ડસ્કેપમાં સ્કેલ અને વિકાસ કરવામાં સક્ષમ બનાવશે.
ગિફ્ટ આઈએફઆઈએચના લોન્ચના ભાગરૂપે 10 નવીન સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડેશન બેચમાં જોડાયા છે, જે અમેરિકા, યુએઈ, સિંગાપોર અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જાન્યુઆરી 2025થી શરૂ કરીને ગિફ્ટ આઈએફઆઈ ફિનટેક ફાઉન્ડેશન્સ, ફિનટેક માટે ટેક્નોલોજી અને ફિનટેકમાં એઆઈ અને એમએલ સહિત ફિનટેક ટેલેન્ટના નિર્માણ માટે ઘણા અભ્યાસક્રમ ઓફર કરશે.
ગિફ્ટ સિટીના વ્યાપક વિઝનને દર્શાવતા ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને ઇન્ક્યુબેશનમાં જાણીતા ભાગીદારોના સમર્થન સાથે અમે માત્ર ટેલેન્ટને જ નહીં, પરંતુ અત્યાધુનિક ઈનોવેશનને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ, જે ફાઇનાન્સિયલ સર્વિસ ઉદ્યોગને પુનઃવ્યાખ્યાયિત કરશે.
અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદ યુનિવર્સિટી ખાતે અમે ફાઇનાન્સ, એઆઈ, ડેટા સાયન્સ અને પ્રેક્ટિસ-આધારિત અભિગમો, ઉદ્યોગ સાથે મળીને અમારી આંતરશાખાકીય સંશોધન ક્ષમતાઓ બહાર લાવ્યા છીએ. આ સંસ્થા વ્યાવસાયિકો અને ગ્રેજ્યુએટ્સને વાસ્તવિક વિશ્વના પડકારોને ઉકેલવા અને ફિનટેકના ભાવિનું નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવશે.
એડીબીના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર આરતી મહેરાએ જણાવ્યું હતું કે તે વિકસીત ભારત માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રના વિકાસને વેગ આપશે.
ગિફ્ટ આઈએફઆઈ પ્રારંભિક અને મિડ-કરિયર વ્યાવસાયિકો માટે પ્રોગ્રામ્સ ડિઝાઇન કરવા ઈન્ડસ્ટ્રીના આગેવાનો અને વૈશ્વિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે નજીકથી કામ કરશે. તેવી જ રીતે ગિફ્ટ આઈએફઆઈએચ બેંકો, પેમેન્ટ કોર્પોરેશનો, વેન્ચર કેપિટાલિસ્ટ્સ અને એક્સિલરેટર્સ વચ્ચે સહયોગ માટે એક પ્લેટફોર્મ રચશે જે પરિવર્તનકારી ઉકેલોને પ્રેરિત કરશે અને ભવિષ્યના ફિનટેક યુનિકોર્નને વિકસાવશે.