GVFL 2023માં નવા લક્ષ્યાંકો સાથે 100 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ: ભારતમાં વેન્ચર કેપિટલના પ્રવર્તક/ પ્રણેતા GVFL માટે વર્ષ 2022 ઉત્તમ રહ્યું હતું. ચાલુ વર્ષમાં પણ નવા સીમાચિહ્નો સાથે GVFL વર્ષ 2023માં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સમાં વધુ રૂ.100 કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. GVFLએ ગયા વર્ષમાં રૂ.500 કરોડના કોર્પસ ફંડ સાથે આરંભિક ક્લોઝિંગ કર્યું હતું અને અંદાજીત રૂ.70 કરોડના સાત રોકાણો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાત રોકાણોમાંથી, તે ચાર કંપનીઓમાં પ્રથમ સંસ્થાકીય રોકાણકાર રહ્યું હતું, જેણે નવા વ્યવસાયિક વિચારોને સમર્થન આપવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
GVFL એ તેના પૂર્વના રોકાણોમાંથી 70 કરોડનો નફો પ્રાપ્ત કર્યો હતો અને વર્ષ 2022 દરમિયાન તેની બે પોર્ટફોલિયો કંપનીઓમાં શેરની અદલાબદલી કરી હતી. તેની ચાર પોર્ટફોલિયો કંપનીઓએ વર્ષ દરમિયાન ફોલો-ઓન ફંડિંગ રાઉન્ડમાં વધારો કર્યો હતો, કેમ કે, તેઓએ તેમની ઓફરિંગનો વિસ્તાર કર્યો હતો અને પરિચાલન પ્રક્રિયામાં વધારો કર્યો હતો. વર્ષ 2022માં GVFLના ફંડમાં બે નવા લિમિટેડ પાર્ટનર સામેલ થયા હતા.
GVFLના MD કમલ બંસલે જણાવ્યું હતું કે, પડકારજનક આર્થિક પરિસ્થિતિ છતાં 2022નું વર્ષ GVFL માટે સારું રહ્યું હતું. સ્ટાર્ટઅપ વેલ્યુએશનમાં ઊંચા અને અસ્થિર સ્તરોથી તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. GVFL એ ઓક્ટોબર-2022માં રાજકોટ ખાતે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રચાયેલ સ્ટાર્ટ-અપ ઇવેન્ટ, “GVFL પ્રારંભ” નું પણ આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં અનુભવ શેયર કરવા અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની રચના કરવા માટે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ એન્જલ રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ અને સરકાર એક જ પ્લેટફોર્મ પર એકસાથે આવ્યાં હતા. તેણે સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને એકબીજા સાથે જોડાવાની અને સહયોગ કરવાની તક પણ પૂરી પાડી હતી.