(લેખકઃ રામનિક ઘોત્રા)

આર્થિક સ્વતંત્રતાનો અર્થ ઘણી વાર નોકરી અથવા અન્ય આવકસ્રોતો વિના આરામથી જીવવા માટે પૂરતા પૈસા હોવા એવો થાય છે. નાણાંકીય સ્વાતંત્ર્યની સફર કદાચ પડકારજનક લાગતી હોય, પરંતુ તે નાનાંનાનાં સતત પગલાં ભરવાથી શરૂ કરી શકાય છે. આર્થિક વ્યવસ્થાપન માટેનાં સૌથી શક્તિશાળી સાધનો પૈકીનું એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. તે વ્યક્તિઓને દર મહિનાની જેમ નિયમિત સમયે મ્યુચ્યુઅલ ફંડમાં નાનકડી નિશ્ચિત રકમનું રોકાણ કરવાની સગવડ પૂરી પાડે છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે હાલમાં લગભગ 9.34 કરોડ SIP-એકાઉન્ટ્સ છે, જે આ રોકાણ-વ્યૂહરચનાની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. ચક્રવૃદ્ધિની શક્તિ અને નિયમિત શિસ્તબદ્ધ બચત સાથે SIPમાં વ્યક્તિઓના આર્થિક ભાવિને ધરમૂળથી સારી સ્થિતિમાં પરિવર્તિત કરી દેવાની અદ્દભુત ક્ષમતા રહેલી છે.

આર્થિક સ્વતંત્રતાનો પાયો શિસ્તબદ્ધ બચત અને રોકાણમાં રહેલો છે. SIP નિયમિત રોકાણોને વ્યવસ્થિત કરીને આ શિસ્તને પ્રોત્સાહન આપીને આગળ ધપાવવા માટે તૈયાર કરાયેલું તંત્ર છે. માસિક, ત્રિમાસિક કે વાર્ષિક ગમે તે સ્વરૂપે તે હોઈ શકે. “SIPમાં શરૂઆત કરવા માટે મોટી રકમની જરૂર નથી, પણ તમારા રોકાણમાં સાતત્ય જાળવી રાખવાની જરૂર છે. તમે બજારની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના તમારાં આર્થિક લક્ષ્યો તરફ સતતપણે યોગદાન આપતા રહો છો કે કેમ, તે અંગે SIP સુનિશ્ચિતતા ઊભી કરી આપે છે અને રોકાણ માટે સ્થિર અભિગમને પ્રોત્સાહન આપે છે.”

SIP દ્વારા રોકાણ કરવા માટેનું સૌથી મોટું આકર્ષણ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ)ની તાકાત છે. “તમારા જ રોકાણોથી તમે શરૂ કરેલી કમાણી સમય જતાં પોતે જ રિટર્ન બની રહે છે અને તેના પગલે તમને વધુ ને વધુ (ચક્રવૃદ્ધિ) વૃદ્ધિ મળતી રહે છે. SIPનાં રોકાણોમાં જેટલું વહેલું શરૂ કરો એટલો વધારે સમય તમને વૃદ્ધિ માટેના રોકાણનો મળી રહે છે અને તેનાથી તમે ચક્રવૃદ્ધિના કારણે વરસો જતાં ઉત્તમ અને નોંધપાત્ર સંપત્તિ ઊભી કરી શકો છો.”

સામાન્ય રીતે જોતાં, બજારની અસ્થિરતા રોકાણકારો માટે ચિંતાનો વિષય બનતી હોય છે, પરંતુ SIP રૂપિયાની સરેરાશ કિંમત દ્વારા આ જોખમનો સામનો કરવાનો રસ્તો પૂરો પાડે છે. “નિયમિત સમયના અંતરાલે તમે નિશ્ચિત રકમનું રોકાણ કરતા રહો તો જ્યારે ભાવ ઓછા હોય ત્યારે વધારે યુનિટો ખરીદી શકાય છે અને જ્યારે ભાવ-કિંમતો વધારે હોય ત્યારે ઓછી ચીજો ખરીદી શકાય છે. સમય જતાં તમારા રોકાણની કિંમતની સરેરાશ કાઢી શકાય છે.”

આ વ્યૂહરચના એકમ-દીઠ નીચી સરેરાશ કિંમત અને સંભવિત રીતે વધારે સારા વળતર તરફ દોરી જઈ શકે છે. અને તેથી SIP તમારી સંપત્તિ વધારવા માટે ઓછી તણાવપૂર્ણ અને વધારે અસરકારક રીત બની રહે છે. આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા ઇચ્છતા કોઈ પણ માણસ માટે SIP એક જબરદસ્ત તાકાતવાળું સાધન સિદ્ધ થાય છે. શિસ્તબદ્ધ નિયમિત રોકાણને પ્રોત્સાહન આપીને ચક્રવૃદ્ધિની શક્તિનો લાભ લઈને તથા રૂપિયાની સરેરાશ કિંમત દ્વારા જોખમોને ઘટાડી દેવા માટે SIP લાંબા ગાળાની સંપત્તિના નિર્માણ માટે સંતુલિત અને અસરકારક વ્યૂહરચના પૂરી પાડે છે. “આર્થિક સ્વતંત્રતા એવા લોકોની મુઠ્ઠીમાં રહે છે જેઓ પહેલાં રોકાણ-બચત માટે શરૂઆત કરે છે અને પછી તેને વળગી રહેવા તૈયાર રહે છે. બજારની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના SIP તમારી સંપત્તિમાં સતત વૃદ્ધિ કરવાનું શક્ય બનાવી દે છે.”  

જો તમે નાણાંકીય સ્વતંત્રતા માટે વિશ્વસનીય માર્ગ શોધી રહ્યા હો તો તમારી SIP-બચત આજે જ શરૂ કરી દેવામાં જ તમારી લક્ષ્યપ્રાપ્તિને આસાન બનાવવાની ચાવી રહેલી છે, એ સમજી લેજો.

(લેખકઃ રામનિક ઘોત્રા, ફિનવાસિયાનાં ચીફ ગ્રોથ ઑફિસર છે)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)