India VIX 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો, તેની શેરબજાર પર શું અસર થશે તેના વિશે જાણો
અમદાવાદ, 13 મેઃ ભારતીય શેરબજારનો વોલેટિલિટી ઈન્ડેક્સ ઉછાળા સાથે રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. India VIX ઈન્ડેક્સ આજે વહેલી સવારે 14 ટકાથી વધુ ઉછાળા સાથે 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો છે. જેનાથી શેરબજારમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી India VIX ઈન્ડેક્સની સ્થિતિના આધારે પોતાની ચાલ નક્કી કરી રહ્યા છે. ત્યારે તેની શેરબજાર પર શું અસર થશે તેના જાણવુ જરૂરી છે.
અમેરિકામાં CBOE Volatility Indexની જેમ ભારતમાં India VIX શેરબજારની વોલેટિલિટી દર્શાવતો ઈન્ડેક્સ છે. જેમ જેમ ઇન્ડિયા VIX વધે છે તેમ તેમ બજારના ધબકારા વધી જાય છે. આ ઈન્ડેક્સમાં વૃદ્ધિ બજારમાં અનિશ્ચિતતા વધારી રોકાણકારોમાં ભયનો માહોલ વધારે છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો અંગેની વિવિધ અટકળોના પગલે India VIXમાં ઉછાળો જોવા મળ્યો છે.
વોલેટિલિટીનો અંદાજ
India VIX 15થી 35ની રેન્જમાં ટ્રેડ થતો હોય છે. જો આ વોલેટિલિટી ઈન્ડેક્સ 15ની આસપાસ કે તેથી ઓછા લેવલે ટ્રેડ થઈ રહ્યો હોય તો માર્કેટમાં વોલેટિલિટીનું પ્રમાણ ઘટે છે. જો 35 નજીક ઝડપથી આગળ વધી રહ્યો હોય તો માર્કેટમાં ભારે વોલેટિલિટી સાથે મોટા કડાકા નોંધાઈ શકે છે.
India VIXની અસર
જો ઈન્ડેક્સ 30નું સ્તર વટાવે તો આગામી સમયમાં શેરબજારમાં અનિશ્ચિતતાઓ વધી જશે. માર્કેટમાં મોટા કડાકા જોવા મળી શકે છે. | રોકાણકારોમાં વધતા જોખમો અને ડરને કારણે બજારમાં વોલેટિલિટી થઈ શકે છે. ઇન્ડેક્સ 20થી નીચે રહે તો ટ્રેડર્સ ટૂંકા ગાળા માટે વધુ ચિંતિત નથી એવું માનવામાં આવે છે. |
INDIA VIX વિશે વાત કરીએ તો…
NSE મુજબ, વોલેટિલિટી ઈન્ડેક્સ ટૂંકા ગાળામાં ભાવની વધઘટ સંબંધિત બજારના અંદાજો આપે છે. આમાં કિંમતોમાં ફેરફારની ઝડપ અને તેની સાઈઝ સમાવિષ્ટ છે. એટલે કે કિંમતના સ્તરોમાં કેટલી વધઘટ જોવા મળી રહી છે અને આ ફેરફારની ગતિ કેટલી ઝડપી છે. જો ઇન્ડેક્સ વધે છે, તો તેનો અર્થ એ છે કે ભાવ સ્તરમાં ખૂબ ઊંચા ફેરફારો જોવા મળી શકે છે અથવા તેમાં ખૂબ જ ઝડપી ફેરફારો જોવા મળી શકે છે. વોલેટિલિટી ઇન્ડેક્સ આપેલ ઇન્ડેક્સ વિકલ્પની ઓર્ડર બુક પર આધારિત છે અને ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)