અમદાવાદ, 21 માર્ચઃ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ આજે બીએસઈ ખાતે 11.11 ટકા પ્રીમિયમે રૂ. 795ના સ્તરે લિસ્ટેડ થયો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 715 છે. જો કે, બાદમાં શેર ઘટી 740ની રેકોર્ડ બોટમે પહોંચ્યા બાદ 11.43 વાગ્યે 5.12 ટકા પ્રીમિયમે 751.60ના સ્તરે સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા.

ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં 4 ટકા વધુ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડના આઈપીઓનું ગ્રે માર્કેટમાં 7 ટકા અર્થાત રૂ. 55 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝ રૂ. 715ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 300.13 કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી હતી. ઈશ્યૂ 14થી 18 માર્ચ દરમિયાન યોજાયો હતો.

ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડનો આઈપીઓ ઈશ્યૂ કુલ 13.49 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ 3.42 ગણી અરજી કરી હતી. ક્યુઆઈબી પોર્શન 7.32 ગણો અને એનઆઈઆઈ સૌથી વધુ 45.23 ગણો ભરાયો હતો. કુલ 2,64,406 અરજીઓ થઈ હતી. કંપની ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રદાન કરે છે. જે હાઉસ કિપિંગ, સેનિટેશન, લેન્ડસ્કેપિંગ, ગાર્ડનિંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સર્વિસિઝ, વેસ્ટ મેનેજમેન્ટ, પેસ્ટ કંટ્રોલ, ક્લિનિંગ સહિતની સેવાઓ પ્રદાન કરે છે. 2021માં કંપનીએ 262, 2022માં 277 અને 2023માં 326 ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરી હતી. જે 134 હોસ્ટિપલો, 223 શાળાઓ, 2 એરપોર્ટ, 4 રેલવે સ્ટેશન, 10 મેટ્રો સ્ટેશનમાં સેવાઓ આપે છે.

આઈપીઓ હેઠળ એકત્રિત ફંડમાંથી કંપની તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા રૂ. 100 કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે. 10 કરોડની રકમનો ઉપયોગ દેવું ચૂકવવા અને મશીનરી ખરીદવા માટે કરવામાં આવશે. બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે છે.

ઉલ્લેખનીય છે, સેકેન્ડરી માર્કેટના કરેક્શનના માહોલ વચ્ચે મેઈન બોર્ડ ખાતે અગાઉ 4 આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યા બાદ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડના આઈપીઓએ પ્રીમિયમમાં લિસ્ટિંગ કરાવી રોકાણકારોને રાહત આપી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)