અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ જુનિપર હોટલ્સના આઈપીઓએ આજે રૂ. 360ની ઈશ્યૂ પ્રાઈસ સામે બીએસઈ ખાતે 361.20, જ્યારે એનએસઈ ખાતે રૂ. 5 પ્રીમિયમ સાથે રૂ. 365ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં શેર 10 ટકા અપર સર્કિટ સાથે બીએસઈ પર 397.30 અને એનએસઈ પર રૂ. 401.50ની રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા.

જુનિપર હોટલ્સના આઈપીઓ ઈશ્યૂ માટે ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ જોવા મળ્યા ન હતા. જે કુલ 2.18 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 3.11 ગણો, રિટેલ 1.31 ગણો અને એનઆઈઆઈ 89 ટકા સબ્સ્ક્રાઈબ થયો હતો. કંપનીએ રૂ. 360ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 1800 કરોડનું ફંડ એકત્રિત કર્યું હતું.

લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને ઓનરશિપ સ્પેસમાં કાર્યરત જુનિપર હોટેલ્સ પાસે કુલ 1,836 રૂમ્સ સાથે સાત હોટેલ્સ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સનો પોર્ટફોલિયો છે, જેમાં લક્ઝરી (ગ્રાન્ડ હયાત મુંબઈ હોટેલ એન્ડ રેસિડેન્સ અને અંદાઝ દિલ્હી), અપર અપસ્કેલ (ગ્રાન્ડ હયાત મુંબઈ હોટેલ એન્ડ રેસિડેન્સ અને અંદાઝ દિલ્હી) નામના ત્રણ અલગ વિભાગો છે. હયાત દિલ્હી રેસીડેન્સીસ, હયાત રીજન્સી અમદાવાદ, હયાત રીજન્સી લખનૌ અને હયાત રાયપુર; અને અપસ્કેલ (હયાત પ્લેસ હમ્પી)નું સંચાલન કરે છે.

GPT Healthcare IPOનું આવતીકાલે લિસ્ટિંગ

જીપીટી હેલ્થકેર આઈપીઓ આવતીકાલે લિસ્ટિંગ કરાવશે. કંપનીએ રૂ. 186ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 525.14 કરોડ એકત્ર કર્યા હતા. ગ્રે માર્કેટમાં રૂ. 10 પ્રીમિયમના આધારે નિષ્ણાતોએ લિસ્ટિંગ 5થી 10 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ઈશ્યૂ કુલ 8.52 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. જેમાં ક્યુઆઈબીએ 17.30 ગણા, એનઆઈઆઈએ 11.02 ગણા અને રિટેલ 2.44 ગણા બીડ ભર્યા હતા.