અમદાવાદ, 19 માર્ચઃ પ્રાઈમરી માર્કેટનો સતત ચોથો આઈપીઓ આજે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. પોપ્યુલર વ્હિકલ્સે બીએસઈ ખાતે આજે રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ સામે 1.02 ટકા ડિસ્કાઉન્ટે 292ના સર્વોચ્ચ સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. 12.18 વાગ્યે શેર 5.56 ટકા ઘટાડે 278.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 262.90 થયો હતો. પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિમિટેડે (Popular Vehicles and Services Limited) બી ગ્રુપની સિક્યુરિટી કેટેગરીમાં લિસ્ટિંગ કરાવ્યું છે.

પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શૂન્ય થયા હતા. કંપનીએ 12થી 14 માર્ચ દરમિયાન રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ.601.55 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. ઈશ્યૂ ફુલ્લી 1.23 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 1.05 ગણી, ક્યુઆઈબીએ 1.97 ગણી અને એનઆઈઆઈએ 66 ટકા અરજી કરી હતી.

સ્ટોક્સબોક્સના રિસર્ચ એનાલિસ્ટ પાર્થ શાહે જણાવ્યું હતું કે, “મ્યૂટ લિસ્ટિંગ હોવા છતાં, અમે શેર એલોટ ધરાવતા રોકાણકારોને મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે શેર હોલ્ડ કરવા સલાહ આપીએ છીએ. તેના બિઝનેસ વર્ટિકલ્સમાંથી ઉદ્ભવતા ગ્રોથનો લાભ મેળવવા ઉપરાંત, કંપનીના વૈવિધ્યસભર આવકના પ્રવાહો ઉચ્ચ નફાકારકતા માર્જિનમાં ફાળો આપે છે.”

“કંપની તેના અધિકૃત સેવા કેન્દ્રો દ્વારા સંપૂર્ણ સંકલિત સેવાઓ પ્રદાન કરે છે જે દરેક ડીલરશીપ પર ઉચ્ચ માર્જિનવાળા વ્યવસાયમાં યોગદાન આપે છે અને ઓટોમોબાઈલ ક્ષેત્રના કેટલાક ઘટકોને ઐતિહાસિક રીતે પ્રભાવિત કરનાર સાયકલ ઘટાડવામાં મદદ કરે છે.”

ઈન્વેસ્ટમાર્ટના વેલ્થ હેડ શિવાની ન્યાતિએ રૂ. 250ના સ્ટોપલોસ સાથે શેર હોલ્ડ કરવા ભલામણ કરી છે. મધ્યમથી લાંબાગાળાનું દ્રષ્ટિકોણ ધરાવતા લોકોને સ્ટોક હોલ્ડ કરવા સૂચન કર્યું છે. મુખ્યત્વે કંપનીની OEM પર નિર્ભરતા અને ઓટોમોબાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા જેના જોખમોને ધ્યાનમાં રાખી ખરીદીનો નિર્ણય લેવા સલાહ આપી છે.

Pace 360ના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અમિત ગોયલ કહે છે કે ઇશ્યૂ ફુલ્લી પ્રાઈસ્ડ દેખાય છે. ઓટોમોબાઈલ ડીલરશીપ અને સર્વિસિંગ સેગમેન્ટમાં પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિઝ અગ્રણીઓ પૈકી એક છે. અગ્રણી ભારતીય ઓટોમેકર, મારુતિ સુઝુકી સાથેના સંબંધ સાથે, તે 400થી વધુ ટચપોઇન્ટ્સ સાથે સેગમેન્ટમાં આગળ છે જે કંપની માટે સારી વાત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)