RESULT ANALYSIS AT A GLANCE

મુંબઇ, 18 મેઃ ITC લિમિટેડે ગુરુવારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક પરિણામો (ITC Q4 પરિણામો) જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 23 ટકા વધી રૂ. 5,175 કરોડ થયો છે. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં રૂ. 4,196 કરોડ હતો. કંપનીએ શેરહોલ્ડર્સ માટે બે ડિવિડન્ડ જાહેર કર્યા છે. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 6.75ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. ઉપરાંત શેરદીઠ રૂ. 2.75 રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડની પણ ભલામણ કરવામાં આવી છે. જો એજીએમમાં શેરધારકો ડિવિડન્ડની ચુકવણી માટે તેમની મંજૂરી આપે છે, તો તે 14-17 ઓગસ્ટની વચ્ચે પાત્ર સભ્યોને ચૂકવવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં 15 ફેબ્રુઆરીએ કંપનીએ શેર દીઠ રૂ.6નું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. જો આજે જાહેર કરાયેલા ડિવિડન્ડને શેરધારકોની મંજૂરી મળી જાય છે, તો નાણાકીય વર્ષ 2022-23માં કંપની દ્વારા આપવામાં આવેલ કુલ ડિવિડન્ડનો આંકડો 15.50 રૂપિયા સુધી પહોંચશે.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે સાત ટકાના વધારા સાથે રૂ. 19,058 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ આંકડો રૂ. 17,754 કરોડ હતો.

સિગારેટ બિઝનેસમાં આવક વધી, કૃષિમાં ઘટાડો

માર્ચ ત્રિમાસિક ગાળામાં સિગારેટ બિઝનેસની આવક રૂ. 7177 કરોડ સામે વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 8,082 કરોડ થઈ છે. જેનો ટેક્સ પહેલાંનો નફો (PBT) વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 4,916 કરોડ થયો છે.

 એફએમસીજી સેગ્ટમેન્ટની આવકો 19 ટકા વધી

જાન્યુઆરી-માર્ચના સમયગાળામાં FMCG-અન્ય સેગમેન્ટની આવક 19% વધીને રૂ. 4,951 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 4,148 કરોડ હતી.

એગ્રી-બિઝનેસ આવક વાર્ષિક ધોરણે 17% ઘટીને રૂ. 3,607 કરોડ થઈ હતી અને પેપરબોર્ડ્સ અને પેકેજિંગ બિઝનેસમાંથી તે જ નજીવા 1.7% વધીને રૂ. 2,221 કરોડ થઈ હતી. એગ્રી ડિપાર્ટમેન્ટનો કર પૂર્વેનો નફો વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 304 કરોડ થયો છે. પેપરબોર્ડ્સ PBT નજીવો ઘટીને રૂ. 445 કરોડ થયો.

પરીણામના પગલે શેર 1.87% ઘટ્યો

પરીણામ પછી સમગ્ર માર્કેટ સેન્ટિમેન્ટ વેચવાલીનું બન્યું હોવાના કારણે આઇટીસીનો શેર પણ છેલ્લે રૂ. 8 (1.87 ટકા)ના ઘટાડા સાથે રૂ. 419.65ની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં રૂ. 432.50ની ટોચે (રૂ. 433ની સર્વોચ્ચની નજીક) આંબી ગયો હતો.

શેર 1 વર્ષમાં 26 ટકા વધ્યો

છેલ્લા એક મહિનામાં શેરમાં 5.27 ટકા સુધીનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં તેમાં 23.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં 26 ટકાથી વધુ વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 57.23 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.