અમદાવાદ, 15 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના સતત 3 આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ પર હાલ વિરામ લીધો હોય તેવુ જણાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સક્રાઈબ થતાં આઈપીઓ પર બ્રેક વાગી છે.

ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ ઈશ્યૂ આજે બીજા દિવસે 72 ટકા ભરાયો છે. જેનો ક્યુઆઈબી પોર્શન 57 ટકા અને રિટેલ પોર્શન 60 ટકા સબ્સક્રાઈબ થયો હતો. એનઆઈઆઈ 1.19 ગણો ભરાયો હતો. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો ગ્રે માર્કેટમાં રૂ.35 પ્રીમીયમ નોંધાયા છે. જે તેની ઈશ્યૂ પ્રાઈસ 715 સામે 5 ટકા પ્રીમિયમ દર્શાવે છે.

કંપની 680-715ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 300.13 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. જેમાં ફ્રેશ ઈસ્યૂ દ્વારા રૂ. 175 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 125.13 કરોડ એકત્ર કરશે. માર્કેટ લોટ 20 શેર્સ છે. આઈપીઓમાં રોકાણ કરવાની અંતિમ તારીખ 18 માર્ચ છે. જેના શેર એલોટમેન્ટ 19 માર્ચે અને લિસ્ટિંગ 21 માર્ચે થશે.

ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 90.04 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. કંપની ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રદાન કરે છે. જેની આવક અને ચોખ્ખો નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે. કંપનીના માથે કુલ દેવુ રૂ. 103.36 કરોડ (30 સપ્ટેમ્બર-23) છે. પાંચ બ્રોકરેજ હાઉસે ઈશ્યૂ અપ્લાય કરવા સલાહ આપી છે. જેમાં બીપી ઈક્વિટીઝ, રિલાયન્સ સિક્યુરિટીઝ, વેન્ચુરા સિક્યુરિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, જીઈપીએલ કેપિટલ સમાવિષ્ટ છે.