MCX: સોના-ચાંદીમાં સતત બીજા સપ્તાહે કડાકો, જાણો આગામી ટ્રેન્ડ
Gold Outlook: વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ગઈકાલે જોવા મળેલી સ્થિરતાના પગલે સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગનો માહોલ શોર્ટ પોઝિશન માટે પૂર્ણ થવાના આરે
અમદાવાદ, 7 ઓક્ટોબરઃ સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.689 અને ચાંદીના વાયદામાં રૂ.3,832નો કડાકો જોવા મળ્યો છે. જો કે, સપ્તાહના અંતે વેચવાલીનું પ્રમાણ ઘટતાં સ્થાનિક સ્તરે સોનું રૂ. 500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 1000 પ્રતિ કિગ્રાનો ઘટાડે બંધ રહ્યા હતાં.
વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદી બજારમાં સપ્તાહના અંતે સ્થિરતા જોવા મળી હતી. અમેરિકાના મજબૂત જોબ ડેટા અને ફેડ દ્વારા વ્યાજદરો વધારવાની શક્યતાઓ વચ્ચે સોના-ચાંદીમાં શુક્રવારે સુધારો જોવા મળતાં શોર્ટ પોઝિશન માટે પ્રોફિટ બુકિંગ પૂર્ણ થતું નજરે ચડ્યું છે. પરંતુ તે બુલિશ ટ્રેન્ડની શરૂઆત દર્શાવતું નથી.
આઉટલૂકઃ બોન્ડ યિલ્ડ અને ડોલરમાં વર્તમાન તેજી બુલિયન માર્કેટમાં તેજીનો સંકેત આપતુ નથી. ઉલ્લેખનીય છે, હવે રોકાણકારોની નજર અમેરિકાના આર્થિક ડેટા પર રહેશે. જેના પરથી ફેડ રેટમાં વધ-ઘટનો નિર્ણય થશે. સોના માટે સપોર્ટ લેવલ 56600 અને રેઝિસ્ટન્સ લેવલ 58500, જ્યારે ચાંદી માટે સપોર્ટ લેવલ 66500 અને રેઝિસ્ટન્સ લેવલ 70050 રહેશે.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,65,754 સોદાઓમાં રૂ.65,875.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.57,382ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,607 અને નીચામાં રૂ.56,075ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.689 ઘટી રૂ.56,439ના ભાવે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,149ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,227 અને નીચામાં રૂ.65,666 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,832 ઘટી રૂ.66,768ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.17,148.54 કરોડનાં 30,049.803 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.48,727.13 કરોડનાં 7,070.118 ટનના વેપાર થયા હતા.
GOLD: આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ખાતે સોનાનો વાયદો શુક્રવારે 1845.20 રહ્યો હતો. 1800 ડૉલર તોડે એવું લાગતુ નથી.
SILVER: કોમેક્સ ચાંદી વાયદો 21.725 બંધ રહ્યો છે. 24 ક્રોસ કરે તો 26 થઇ શકે.
28 સપ્ટેમ્બરે 97.69નો હાઇ બનાવી બ્રેન્ટે પીછેહટ કરી છેલ્લે 84.16 રહ્યું છે. રેન્જ ભારતના અર્થતંત્ર માટે સાનુકૂળ.