MCX દ્વારા સોનાના મન્થલી ઓપ્શન્સની આગવી શરૂઆત
- ઓપ્શન્સ દ્વારા ટ્રેડરોને અલગ-અલગ સ્ટ્રેટેજીમાં વેપાર કરવાની સુવિધા
મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે તાજેતરમાં ભારતીય નાણાબજારોમાં ઓપ્શન્સના વેપારોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. તેની પાછળ વિવિધ કારણો જવાબદાર છે, જેમાં સૌથી વધુ અસરકારક ગણી શકાય એવા કારણ હોય તો તે છે માર્જિનનાં નિયમોમાં થયેલા ફેરફારો, ઓપ્શન્સ વિશેની જાગરૂકતા, ઓપ્શન્સમાં લાગતો નજીવો ખર્ચ અને સૌથી વિશેષ ઓપ્શન્સ દ્વારા ટ્રેડરોને અલગ-અલગ સ્ટ્રેટેજીમાં વેપાર કરવાની સુવિધા. આમ, ઓપ્શન્સના વેપારોમાં જે વૃદ્ધિ જોવા મળી રહી છે, તેમાં કોમોડિટી ઓપ્શન્સનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ઊર્જા (એનર્જી) અને કીમતી ધાતુઓ (બુલિયન)ના ઓપ્શન્સમાં બજારના સહભાગીઓનો વિશેષ રસ જોવા મળી રહ્યો છે. આજે આ લેખમાં આપણે દેશના અગ્રણી અને સોના-ચાંદીના એક્સચેન્જ mcx દ્વારા સોનામાં મન્થલી ઓપ્શન્સનો 21મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. તે અંગે વિસ્તૃત ચર્ચા અત્રે કરીશું.
- સોનામાં અત્યાર સુધી વાયદા અને ઓપ્શન્સના ચાર અલગ-અલગ સાઈઝના કરારો ઉપલબ્ધ છે, જેમ કે 1 કિલોગ્રામ, 100 ગ્રામ, 8 ગ્રામ અને 1 ગ્રામ સોનાના વાયદા કોન્ટ્રેક્ટ. આ ઉપરાંત સોનાના 1 કિલો અને 100 ગ્રામના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ પણ ઉપલબ્ધ છે.
- 1 કિલોગ્રામના ઓપ્શન્સની પાકતી તારીખ (એક્સપાયરી) દર બે મહિને આવતી હતી, તે હવેથી એટલે કે 21 સપ્ટેમ્બરથી દર મહિને એક્સપાયર થશે. આ ફેરફાર ફક્ત સોનાના 1 કિલોગ્રામના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ પૂરતી જ છે. સોનાના 1 કિલોગ્રામના વાયદા કોન્ટ્રેક્ટ્સ રાબેતા મુજબ દર બે મહિને જ એક્સપાયર થશે. ટૂંકમાં સોનાના 1 કિલોગ્રામના વાયદા કોન્ટ્રેક્ટ્સની સંખ્યા વર્ષના 6 કોન્ટ્રેક્ટ્સની રહેશે, જ્યારે સોનાના 1 કિલોગ્રામના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સની સંખ્યા વર્ષના 12 કોન્ટ્રેક્ટ્સની રહેશે.
- આ કોન્ટ્રેક્ટ્સ ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ હોવાને કારણે પાકતી તારીખે ઓપ્શન્સની પોઝિશન વાયદામાં કન્વર્ટ કરવામાં આવશે અને નજીકના વાયદાની પોઝિશન બાયર્સ અને સેલર્સને આપવામાં આવશે. હવે આપણે એ સમજી લઈએ કે ક્યા ઓપ્શન્સમાં ક્યા વાયદાની પોઝિશન આપવામાં આવશે, જે અત્રે અપાયેલા કોષ્ટક પરથી વધુ સારી રીતે સમજી શકાશે.
પાકતી તારીખે ક્યા ઓપ્શન્સની પોઝિશન ક્યા વાયદામાં અપાશે
ઓપ્શન કોન્ટ્રેક્ટનો મહિનો | વાયદા કોન્ટ્રેક્ટનો મહિનો |
ડિસેમ્બર, જાન્યુઆરી | ફેબ્રુઆરી |
ફેબ્રુઆરી, માર્ચ | એપ્રિલ |
એપ્રિલ, મે | જૂન |
જૂન, જુલાઈ | ઓગસ્ટ |
ઓગસ્ટ, સપ્ટેમ્બર | ઓક્ટોબર |
ઓક્ટોબર, નવેમ્બર | ડિસેમ્બર |
સામાન્ય રીતે જે-તે વાયદાની પાકતી તારીખના 7 (સાત) કામકાજનાં દિવસો પહેલાં ઓપ્શનની એક્સપાયરી રહેતી હોય છે. આ રીતે જોઈએ તો સોનાના વાયદા કોન્ટ્રેક્ટ્સ બેકી સંખ્યાના મહિનાઓ હોય છે (એટલે કે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર) અને અત્યાર સુધી જે-તે વાયદાના કોન્ટ્રેક્ટની પહેલા ઓપ્શનના કોન્ટ્રેક્ટ પૂરા થતાં હતાં એટલે કે એકી સંખ્યાના ઓપ્શન્સ ઉપલબ્ધ હતાં (જેમ કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર) પરંતુ હવેથી એકી સંખ્યાના મહિનાની સાથે-સાથે બેકી સંખ્યાના મહિનાના પણ ઓપ્શન્સ ઉપલબ્ધ થશે. બેકી સંખ્યાના મહિનાના ઓપ્શન્સની એક્સપાયરી જે-તે મહિનાનો છેલ્લો દિવસ રહેશે. જો તે દિવસ કામકાજ માટે રજાનો હશે તો તેના આગલા દિવસે કોન્ટ્રેક્ટ એક્સપાયર થશે.
થીટા ટ્રેડર્સ અને ઓપ્શન્સ સેલર્સ પણ આ ફેરફારનો ખૂબ જ લાભ ઉઠાવી શકશે. લોન્ગ ઓપ્શન્સ ટ્રેડર્સ માટે પ્રીમિયમ ઓછું થઈ જતાં ઓછા રોકાણ દ્વારા પોતાનો વેપાર ગોઠવી શકશે. આ ઉપરાંત જ્વેલર્સ અને બુલિયન ડિલરો પણ નજીવા પ્રીમિયમ અને રોકાણથી પોતાની હાજર બજારની પોઝિશનને સોનાના મન્થલી ઓપ્શન્સ દ્વારા હેજ કરીને પોતાનો નફો બાંધી લઈ શકશે. શેરબજારના ઓપ્શન્સ ટ્રેડરો અને રોકાણકારો નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ઓપ્શન્સની જેમ જ સોનાના મન્થલી ઓપ્શન્સમાં વેપાર કરી શકશે. એક્સચેન્જના સભ્યો અને તેમના પેટા-સભ્યો એટલે કે બિઝનેસ પાર્ટનર્સ તેમ જ ઓથોરાઈઝડ પર્સન આ નવા બદલાવને કારણે નવા રોકાણકારોને પોતાના ગ્રાહક બનાવી શકશે. આમ તેઓને પોતાના વેપારમાં વૃદ્ધિની તકો પણ પ્રાપ્ત થશે.
ઉપરોક્ત બાબતો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે બજારમાં નવિનીકરણ દ્વારા નવી પ્રોડક્ટ્સ અને નવા સહભાગીઓને જોડવાનું કામ આ નવો ફેરફાર જરૂરથી કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બજારના સહભાગીઓ સોનાના મન્થલી ઓપ્શન્સનો ઉપયોગ હેજિંગ, ટ્રેડિંગ અને ઓપ્શન્સની વિવિધ સ્ટ્રેટેજીઓમાં કરશે એ વાત ચોક્કસ છે.