અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર  સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર  આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત સરકારના સબસિડી કાર્યક્રમો અને સોલાર સોલ્યુશન્સ વિશે જાગૃતિ લાવવાનો હતો.

 સંજય ગુપ્તા, જનરલ મેનેજર, SIDBI,એ જણાવ્યું હતું કે SIDBI નું પ્રાથમિક કાર્ય MSME ની જરૂરિયાતોને અનુરૂપ નાણાકીય સહાય, ક્રેડિટ સપોર્ટ અને વિકાસલક્ષી સેવાઓ પ્રદાન કરવાનું છે. તેમણે વિવિધ લોન યોજનાઓ, અનેકવિધ નાણાકીય ઉકેલો અને ખાસ એમ.એસ.એમ.ઈ ને સમર્પિત તેવા સહાયરૂપ અભિયાનો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

GCCIના સિનિયર ઉપ-પ્રમુખ સંદીપ એન્જીનીયરે ભારતીય અર્થતંત્રમાં MSMEsના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું કે MSMEs એ ભારતની સમગ્ર આર્થિક પરિયોજનાની કરોડરજ્જુ છે કે જે દેશના જીડીપી અને રોજગાર પરત્વે પણ નોંધપાત્ર યોગદાન આપે છે.  

SIDBIના અમદાવાદ શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કે.એસ. ધર અને  નકુલ અગ્રવાલે SIDBIની લોન સ્કીમ્સ અને પ્રક્રિયાઓની વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગમાં STAPAN, ARISE, e-GPS, “End To End Energy Efficiency (4E) અને ગ્રીન ફાઇનાન્સ સ્કીમ” જેવી વિવિધ યોજનાઓ અને SIDBIના “એક્સપ્રેસ 1.0” અને “એક્સપ્રેસ 2.0” કાર્યક્રમો અંગે પણ માહિતી આપી હતી, જે લોન મૂલ્યાંકન અને મંજૂરી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના ઉદેશથી જાહેર કરવામાં આવેલ છે. દિનેશ શાહ, સીએ દ્વારા, ગુજરાત સરકારની MSMEs માટે તૈયાર કરવામાં આવેલી સબસિડી યોજનાઓ પર વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી, તેમજ તેઓએ પોતાના પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાતમાં MSMEsને સમર્થન આપવા માટે ઉપલબ્ધ વિવિધ સબસિડીઓ પર પ્રકાશ પાડ્યો હતો.

મેસર્સ અમદાવાદ સોલરના પાર્ટનર  રવિ ચૌધરીએ પોતાના વક્તવ્ય થકી ટાટા પાવર લિમિટેડની સોલાર પ્રોડક્ટ ઑફરિંગ અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસી 2023 ઉપર માહિતી આપી હતી.