મુંબઈ, 16 જૂન: હિન્દુજા પરિવારના વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન રાજકીય પક્ષોના રાજકીય મહાનુભાવો, ઉદ્યોગના અગ્રણીઓ, શુભચિંતકો, ફોરેન કાઉન્સેલ અને આધ્યાત્મિક ગુરૂઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એસ. પી. હિન્દુજાના સખાવતી કાર્યો તેમજ 108 વર્ષ જૂના ઔદ્યોગિક સમૂહના તેમના અધ્યક્ષપદ દરમિયાન ગ્રુપના સિદ્ધાંતો તથા મૂલ્યો પ્રત્યેની તેમની અનન્ય સમર્પિતતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તમામ ક્ષેત્રોના 2500થી વધુ મહેમાનોએ સ્મરણાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાએ તેમના ભાઈ શ્રીચંદને પરિવાર અને મિત્રો માટે મિત્ર, માર્ગદર્શક અને ગુરુ તરીકે યાદ કરતાં જણાવ્યું કે, પ્રિય એસપી, અમે તમને ખાતરી આપીએ છીએ કે આપણો પરિવાર પેઢી દર પેઢી તેની આગળની સફર ચાલુ રાખશે અને દાદા અને અમ્મા પાસેથી તમને વારસામાં મળેલા મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરશે અને તેને અમારી ભાવિ એકતા અને કલ્યાણ માટે અમને પ્રદાન કરશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે શ્રીચંદ હિન્દુજાએ 48 દેશોમાં 2,00,000 નોકરીઓનું સર્જન કર્યું હતું.

ઇસ્કોનના ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, પરમાર્થ નિકેતનના ઋષિકેશના સ્વામી ચિદાનંદ સરસ્વતી, બીએપીએસના સ્વામી બ્રહ્મવિહારી અને ઇશા ફાઉન્ડેશનના સદગુરુએ એસ.પી. હિન્દુજાની સ્મૃતિને પોતાના વક્તૃત્વમાં વાગોળી હતી.

આ ઉપરાંત, યકો કૈલાશ ખેર, અનુપ જલોટા અને રાહત ફતેહ અલી ખાને ભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.