મુંબઈ, 3 ઓક્ટોબર: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NPCI ભારત બિલપે લિમિટેડે (NBBL) ભારત કનેક્ટ પ્લેટફોર્મ (અગાઉ બીબીપીએસ તરીકે જાણીતું) પર બિલર કેટેગરી તરીકે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને ઇન્ટિગ્રેટ કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.

આ ઇન્ટિગ્રેશન સાથે વ્યક્તિગત રોકાણકારો ભારત કનેક્ટ-એનેબલ્ડ પ્લેટફોર્મ્સ દ્વારા હાલના એનપીએસ એકાઉન્ટ્સમાં યોગદાન આપી શકશે. આ કેટેગરી ભીમ, ફોનપે, મોબિક્વિક અને કોટક મહિન્દ્રા બેંકની નેટ બેંકિંગ ચેનલ પર યોગદાન માટે પહેલેથી જ લાઇવ છે અને બીજા પાર્ટનર્સ ટૂંક સમયમાં ઉમેરાશે.

પીએફઆરડીએના ચેરમેન ડો. દીપક મોહંતીએ આ ગતિવિધિ અંગે જણાવ્યું હતું કે NPCI ભારત બિલપે સાથેના સહયોગથી લાખો ભારતીયો માટે પેન્શન યોગદાનને સરળ બનાવવાના અમારા મિશનને પૂરું કરવામાં મદદ મળશે.

NBBLના સીઈઓ સુશ્રી નૂપુર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે “આવશ્યક નાણાંકીય સેવાઓને વધુ સમાવેશક બનાવવાના સરકારના વિઝન પર આગળ વધતા આ ઇન્ટિગ્રેશન લાખો એનપીએસ સબ્સ્ક્રાઇબર્સને ભારત કનેક્ટ દ્વારા સુલભ બનાવાયેલા તેમની પસંદગીના પ્લેટફોર્મ પર તેમના ભવિષ્યમાં રોકાણ કરવા માટે સક્ષમ બનાવશે.