મુંબઇ, 10 ઓક્ટોબરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વર્લ્ડ ઈન્વેસ્ટર વીક 2023 (ડબ્લ્યુઆઈડબ્લ્યુ)ની વૈશ્વિક ઊજવણીમાં તેની સહભાગિતા જાહેર કરી છે. આ વર્ષે, વિશ્વ રોકાણકાર સપ્તાહ 09 ઓક્ટોબર, 2023થી 15 ઓક્ટોબર, 2023 સુધી ઊજવવામાં આવી રહ્યું છે.

વિશ્વ રોકાણકાર સપ્તાહ વાર્ષિક ધોરણે ઉજવવામાં આવે છે. તે એક વૈશ્વિક અભિયાન છે જે રોકાણકારોના શિક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. તે સ્ટોક એક્સચેન્જો, નિયમનકારો અને અન્ય નાણાંકીય સંસ્થાઓને રોકાણકારો સાથે જોડાવા, રોકાણકારોના શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને નાણાંકીય બજારોમાં ઉપલબ્ધ વિવિધ તકોને રજૂ કરવાની તક પૂરી પાડે છે.

NSEએ આ મહત્વપૂર્ણ પ્રસંગની શરૂઆત 09 ઓક્ટોબર, 2023ના રોજ એક ખાસ “રિંગ ધ બેલ” સેરેમની સાથે કરી હતી.

NSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, NSE ખાતે, અમે મજબૂત મૂડી બજારોના વિકાસમાં જાણકાર અને સશક્ત રોકાણકારોના મહત્વને સમજીએ છીએ.

આઈઓએસસીઓ – વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની આ વૈશ્વિક ઈવેન્ટ દરમિયાન, એક નેશનલ કો-ઓર્ડિનેટર તરીકે સેબી નાણાંકીય સમાવેશ, મૂડી નિર્માણ અને જવાબદાર રોકાણને વધારવા માટે દેશભરમાં વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરીને સહભાગી હિતધારકો સાથે સપ્તાહની ઊજવણી કરશે.

આ વર્ષની ઇવેન્ટમાં વર્તમાન અને સંભવિત રોકાણકારોના વિવિધ વિભાગો માટે પ્રાદેશિક ભાષાઓમાં માહિતીપ્રદ સેશન્સ, પેનલ ડિસ્કશન્સ, આકર્ષક નાણાંકીય પ્રશ્નોત્તરી, નિષ્ણાંતો દ્વારા પોડકાસ્ટ સિરીઝ “સશક્ત નિવેશક”, દેશભરમાં નુક્કડ નાટક અને સેલ્ફી બૂથ, રોકાણકારોને રોકાણની વિવિધ તકો, સલામત અને જવાબદાર રોકાણની આદતો, રોકાણ કરતી વખતે શું કરવું અને શું ન કરવું વગેરે બાબતોમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે.