અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આઈપીઓ-બાઉન્ડ કંપનીઓને પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ (PE/VC) શેરધારકો અને અન્ય શેરહોલ્ડરો કે જેઓ તેમના શેર વેચવાનો ઈરાદો ધરાવે છે તેમને કિંમત નિર્ધારણની નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરવા સૂચન કર્યું છે.

મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબીના આ પગલા લેવા પાછળનો ઉદ્દેશ આ કહેવાતા “સેલિંગ શેરહોલ્ડરો” દ્વારા IPOની કિંમતો અને IPOની કામગીરી પર પડતાં અયોગ્ય પ્રભાવમાં ઘટાડો કરવાનો છે. આવા શેરધારકો/રોકાણકારો ઊંચા પ્રાઇસ બેન્ડ માટે દબાણ કરીને રોકાણ પરના તેમના રિટર્નને મહત્તમ કરવાને પ્રાથમિકતા આપી શકે છે. જે IPO-બાઉન્ડ કંપનીના વ્યાપક હિત અથવા નવા આવનારા રોકાણકારોના હિતોને અસર કરી શકે છે.

સેબીએ તાજેતરમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) પર જણાવ્યું હતું કે, ઓફર દસ્તાવેજ આવા વેચાણ શેરધારકોને IPO ભાવ નિર્ણય લેવાના ટેબલ પર સ્થાન આપે છે વેચાણ કરનાર શેરધારક એવા કોઈપણ શેરહોલ્ડર હોઈ શકે છે જે IPOમાં તેના શેર વેચવા માંગે છે, જે કંપનીમાં લઘુમતી હિસ્સો ધરાવે છે અને પ્રમોટર જૂથના ભાગ તરીકે ઓળખાયેલ નથી. આનો અર્થ માત્ર પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર જ હોવો જરૂરી નથી. સેબીએ આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી.

સેબીના આ નિર્ણયથી આઈપીઓની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં પારદર્શકતા વધારશે. આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરનારા મોટાભાગના આઈપીઓ ઓફર ફોર સેલ લાવી રહ્યા છે. જેમાં પીવી, વીસી, સહિતના અન્ય શેરહોલ્ડર્સ પોતાના શેરનો મોટો હિસ્સો વેચવાની દરખાસ્ત ધરાવે છે. આ પગલાંથી ભારતીય પ્રાઈમરી માર્કેટમાં પારદર્શિતા વધશે.

સેબીએ નારાજગી વ્યક્ત કરી

ઇશ્યૂની કિંમત ઉપરાંત, સેબીએ સંસ્થાકીય રોકાણકારોને શેરની ફાળવણીમાં આવા “સેલિંગ શેરહોલ્ડરો”ની સલાહ લેવાથી નારાજગી વ્યક્ત કરી છે. સેબીએ અવલોકન કર્યું હતું કે મર્ચન્ટ બેન્કર્સને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે કે IPO કમિટીમાં વેચાણ કરતા શેરધારકોના નોમિની ડિરેક્ટર્સની સભ્યપદ સહિત, વેચાણ કરતા શેરધારકોને કિંમતના નિર્ધારણમાં અને ઇક્વિટી શેરની ફાળવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામેલ થવા જોઈએ નહિં.