કેન્દ્રીય બજેટ 2025-2026 માટેની ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલ વતી બજેટ પૂર્વેની સમીક્ષા
ટેક્સટાઇલ ઉદ્યોગ: તમામ પ્રકારના કૉટન ફાઇબર પર આયાત શુલ્કને નાબુદ કરવા ભલામણ

ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ઘરેલું કાચા માલની ઊંચી કિંમતો, નોન-ટેરિફ અવરોધો અને ઘરેલું વપરાશમાં ઘટાડાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય બજેટ 2025-2026 પહેલાં સરકારે કેટલાક એવા પગલાં લેવા જોઇએ, કે જેનાથી આ ક્ષેત્રનો પુનરુદ્ધાર થાય અને વૈશ્વિક ધોરણે તેની સ્પર્ધાત્મકતામાં વધારો થાય. ફુગાવાના દબાણને હળવું કરવું, લોકોની ડિસ્પોઝેબલ આવક વધારવી અને રોજગારીનું સર્જન કરવા માટે સમર્થન પૂરું પાડવા જેવા ઘરેલું વપરાશને વધારવાના ઉપાયો માંગને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સમગ્ર વિશ્વમાં ધીમે-ધીમે રીટેઇલ ઇન્વેન્ટરીનું લિક્વિડેશન તથા સ્રોત માર્કેટ તરીકે ભારત પ્રત્યે વૈશ્વિક દિગ્ગજોનું નવેસરથી હકારાત્મક વલણ ખૂબ જ આશાસ્પદ લાગે છે. જોકે, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને માર્કેટને સેવા પૂરી પાડવા આ ક્ષેત્રની ક્ષમતાને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું પણ ખૂબ જ આવશ્યક છે.
તો, ઉત્પાદનના મોરચે જે કેટલીક પ્રાથમિકતા આપવા જેવી બાબતો છે, તેમાં તમામ પ્રકારના કૉટન ફાઇબર પર આયાત શુલ્કને નાબુદ કરવાનો સમાવેશ થાય છે. કૉટન પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન ફન્ડ સ્કીમ કિંમતોની અસ્થિરતાથી આ ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કાચો માલ વૈશ્વિક સ્પર્ધાત્મક કિંમતોએ ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા માટે અને કિંમતોની અસ્થિરતાની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે, તે ઉત્પાદનના આયોજન પર પ્રતિકૂળ પ્રભાવો પાડી રહ્યાં છે.
પરવડે તેવું ધિરાણ પણ અત્યાવશ્યક જરૂરિયાત છે. ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (ટીયુએફએસ)નો વિકલ્પ રજૂ કરવાથી ટેક્સટાઇલ મશીનરીના સ્વદેશી ઉત્પાદનમાં રોકાણને પ્રોત્સાહન મળશે, જે ઉત્પાદનકર્તાઓને ઊંચી ગુણવત્તાના ટેક્સટાઇલ અને એપરલ્સનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ ઓછાં રોકાણની મર્યાદા અને વ્યાપક કવરેજ માટેના પ્રસ્તાવો આ ક્ષેત્રમાં વધુ સહભાગીતાને પ્રોત્સાહન આપશે.
ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળની નવી કલમ 43બી(એચ) હેઠળની જોગવાઇઓએ મુલતવી રાખવાથી વ્યવસાયો પર પડી રહેલા નાણાકીય દબાણો હળવા થશે.
કેન્દ્રીય બજેટ 2025-2026 માળખાંગત પડકારોને ઉકેલવાની અને ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવા માટેની એક તક છે. સહાયક નીતિગત માળખું આ ક્ષેત્રને તો મજબૂત કરશે જ પરંતુ તેની સાથે-સાથે દેશના વ્યાપક આર્થિક હેતુઓમાં નોંધપાત્ર પણ યોગદાન આપશે.
પુનઃપ્રાપ્ય ઊર્જાઃ વાયેબિલિટી ગેપ ફન્ડિંગ, ઊર્જા સંગ્રહ માટે સબસિડીઓ, એમએસએમઈના સોલરાઇઝિંગ માટેના ઇન્સેન્ટિવ્સ તથા સોલર પેનલો, સેલ અને સ્ટોરેજ બેટરીઓનું ઉત્પાદન કરવા માટે લક્ષિત સપોર્ટની જરૂર છે
ભારત પુનઃપ્રાપ્ય ઊર્જાના મામલે વર્ષ 2030 સુધીમાં 500 GWના મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં અગ્રેસર છે, ત્યારે આગામી કેન્દ્રીય બજેટ આ રૂપાંતરણનો વેગ વધારવાની અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવાની એક સુંદર તક છે. 200 GW REની ક્ષમતાથી આગળ વધી જવાના ગત વર્ષના વેગને આગળ વધારવા નાણાકીય વ્યવહાર્યતા, નવીનીકરણ અને ઘરેલું ઉત્પાદનને સમર્થન પૂરું પાડે તેવા નીતિગત પગલાં લેવા પણ ખૂબ જ જરૂરી છે.
જે કેટલાક મહત્ત્વના ઉપાયોને સામેલ કરી શકાય તેમાં વાયેબિલિટી ગેપ ફન્ડિંગ, ઊર્જા સંગ્રહ માટે સબસિડીઓ, એમએસએમઈના સોલરાઇઝિંગ માટેના ઇન્સેન્ટિવ્સ તથા સોલર પેનલો, સેલ અને સ્ટોરેજ બેટરીઓનું ઉત્પાદન કરવા માટે લક્ષિત સપોર્ટનો સમાવેશ થાય છે. તેનાથી સ્થાનિક ઉદ્યોગોનું નોંધપાત્ર રીતે સશક્તિકરણ થશે, સોલર પેનલો, સેલ અને બેટરીઓની માંગ પેદા થશે અને તેના પરિણામે ઘરેલું માંગ વધશે, જે મેક ઇન ઇન્ડિયાના વિઝનને વધુ પ્રોત્સાહન આપશે.
ઑફશોર, વિન્ડ અને ગ્રીન હાઇડ્રોજન જેવી ઉભરી રહેલી ટેકનોલોજીઓ માટે બજેટમાં કરવામાં આવતી ફાળવણીને વધારવાથી તે ટેકનોલોજી સંબંધિત પ્રગતિને આગળ વધારવામાં અને એક સંતુલિત ઊર્જા મિશ્રણની રચના કરવામાં ચોક્કસપણે મહત્ત્વની ભૂમિકા ભજશે.
કેન્દ્ર સરકાર વિવિધ ઊર્જા સ્રોતોને સામેલ કરનારી વ્યાપક ઊર્જા રૂપાંતરણ નીતિઓ પર વિચારણા કરે અને જે ક્ષેત્રોમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ છે, તેવા ક્ષેત્રો માટે ડીકાર્બનાઇઝેશનના માર્ગની રૂપરેખા તૈયાર કરે, તે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે-સાથે ડિસ્કોમનું આધુનિકીકરણ, સ્માર્ટ ગ્રિડ ટેકનોલોજીઓ તથા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપકરણો માટે એકસમાન કરવેરાના દરો જેવા પગલાં પણ પ્રક્રિયાને સરળ બનાવી શકે છે, પ્રોજેક્ટ પાછળના ખર્ચને ઘટાડી શકે છે અને ગ્રિડની સ્થિરતાને વધારી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)