અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ જિયોએ શુક્રવારે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,863 કરોડની સરખામણીમાં અર્થાત ત્રિમાસિક ધોરણે 4% વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ગતવર્ષે 4518 કરોડની તુલનાએ 12% વધ્યો છે.

નફાનો આંકડો મીડિયા પોલના રૂ. 5,038 કરોડના અંદાજ કરતાં નજીવો વધારે હતો. સમાન સમયગાળામાં આવક QoQ 3% વધીને રૂ. 24,750 કરોડ થઈ હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં આવકમાં 10% વધારો થયો છે.

ઉલ્લેખનીય છે, રિલાયન્સ જિઓએ નફામાં છેલ્લા સાત ત્રિમાસિકની તુલનાએ આ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ દર્શાવી છે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં રૂ. 12,953 કરોડની EBITDA નોંધાવી હતી, જે ક્રમિક ધોરણે 3% વધી હતી. આ સમયગાળા દરમિયાન માર્જિન 52.34% રહ્યા હતા. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ જિયોનું ઓપરેટિંગ માર્જિન વાર્ષિક ધોરણે 10 બેસિસ પોઈન્ટ્સ સુધરીને 26.4 ટકા થયું છે. તેનો નફો માર્જિન 40 બેસિસ પોઈન્ટ વધીને 17.40 ટકા થયો છે.

રિલાયન્સ જિયોએ JioSpaceFiber લોન્ચ કર્યું

રિલાયન્સ જિયોએ દેશવ્યાપી ઈન્ટરનેટ ઍક્સેસ માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગાબીટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી છે. Reliance Jio Infocomm Ltd, ભારતની ટોચની કેરિયર, શુક્રવારે તેની JioSpaceFiber સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં પ્રદર્શિત કરી હતી.