રેપો રેટ 4 ટકાના સ્તરે જળવાઇ રહેવાની શક્યતા
આરબીઆઈની એમપીસી બેઠક શરૂ, 8 એપ્રિલે જાહેરાત કરશે
રેપો રેટ યથાવત રાખવાના આશાવાદ સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દ્વિમાસિક મોનેટરી પોલિસી શરૂ થઈ ચૂકી છે. જો કે, જિયો-પોલિટિકલ ટેન્શન, મોંઘવારીમાં વધારાના કારણે મોનેટરી પોલિસી કમિટી તેનુ વલણ બદલી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વ હેઠળ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ એમપીસી બેઠક આઠ એપ્રિલ સુધી યોજાશે. રેપો રેટ સંબંધિત જાહેરાતો આઠ એપ્રિલે થશે. છેલ્લી 10 બેઠકોથી એમપીસીએ મોનેટરી પોલિસી વલણ જાળવી રાખતાં વ્યાજદરો યથાવત રાખ્યા છે. શોર્ટ ટર્મ લોન માટેનો વ્યાજદર 22 મે, 2020માં ઘટાડવામાં આવ્યો હતો. બાદથી અત્યારસુધી 4 ટકાના ઐતિહાસિક તળિયે સ્થિર રહ્યો છે. નિષ્ણાતોના મતે આરબીઆઈ નાણાકીય વર્ષ 2022-23 માટે ફુગાવાનો અંદાજ વધારી શકે છે. જો કે, શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટ (રેપો રેટ) જાળવી રાખશે. રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ અને કોમોડિટીના વધતા ભાવો ફુગાવામાં વધારો કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતાં આરબીઆઈ ફુગાવો 4 ટકાના દરે નિર્ધારિત કરી શકે છે.