મુંબઈ, 24 જુલા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ભારતમાં ડેટા સેન્ટરો વિકસાવવા માટે સ્થાપવામાં આવેલા ભારતીય સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ (SPVs)માં બ્રૂકફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટી સાથે મૂડીરોકાણ કરવા માટેના કરાર કર્યા હોવાની જાહેરાત કરી છે. આરઆઇએલ તેમના દરેક ભારતીય SPVsમાં 33.33% હિસ્સો ધરાવશે અને સમાન ભાગીદાર બનશે.

ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટ, ઇન્ક. (ડિજિટલ રિયલ્ટી) 27 દેશોમાં 300થી વધુ ડેટા સેન્ટર્સ સાથે વૈશ્વિક સ્તરે ક્લાઉડ અને કેરિયર ન્યુટ્રલ ડેટા સેન્ટર, કોલોકેશન અને ઇન્ટરકનેક્શન સોલ્યુશન્સના સૌથી મોટા પ્રોવાઇડર છે. તેઓ બ્રૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંયુક્ત સાહસ (જેવી) ધરાવે છે, જે ભારતમાં એન્ટરપ્રાઈઝ અને ડિજિટલ સર્વિસ કંપનીઓની મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાઇ ક્વોલિટી, હાઇલી કનેક્ટેડ, સ્કેલેબલ ડેટા સેન્ટર્સ વિકસાવી રહ્યા છે. આરઆઇએલ આ સંયુક્ત સાહસમાં સમાન ભાગીદાર બનશે. આ સંયુક્ત સાહસનું ‘ડિજિટલ કનેક્શનઃ અ બ્રુકફિલ્ડ, જિયો અને ડિજિટલ રિયલ્ટી કંપની’ તરીકે બ્રાન્ડિંગ કરવામાં આવશે.

આ સંયુક્ત સાહસ હાલમાં ચેન્નાઈ અને મુંબઈના મહત્વના સ્થળોએ ડેટા સેન્ટરો વિકસાવી રહ્યું છે. ચેન્નાઈમાં 100 મેગાવોટ કેમ્પસમાં સંયુક્ત સાહસનું પ્રથમ 20 મેગાવોટ (MW) ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર (MAA10) વર્ષ 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સંયુક્ત સાહસે તાજેતરમાં મુંબઈમાં 40 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવવા માટે 2.15 એકર જમીન સંપાદન કરવાની જાહેરાત કરી હતી. આ કરાર અંગે બોલતા જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના સીઇઓ કિરણ થોમસે જણાવ્યું હતું કે, આ ભાગીદારી અમને અમારા એન્ટરપ્રાઇઝ અને એસએમબી ક્લાયન્ટ્સને ક્લાઉડમાંથી વિતરિત અત્યાધુનિક, પ્લગ એન્ડ-પ્લે સોલ્યુશન્સ સાથે સેવા આપવામાં અને તેમને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ દોરી જવા તથા તેમને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે. બ્રૂકફિલ્ડના મેનેજિંગ ડિરેક્ટર, હેડ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડિયા એન્ડ મિડલ ઈસ્ટ અર્પિત અગ્રવાલે ઉમેર્યું કે, ભારતમાં જીવનના દરેક પાસાઓમાં થઈ રહેલા ડિજિટલાઈઝેશનને મદદરૂપ થવા માટે ડેટા સેન્ટર્સ આવશ્યક સેવાઓ અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરા પાડે છે. રિલાયન્સ અને ડિજિટલ રિયલ્ટી સાથે મળીને અમે ભારતીય તથા વૈશ્વિક કોર્પોરેટ્સની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જરૂરિયાતો માટેના શ્રેષ્ઠ સોલ્યૂશન્સ પૂરા પાડવા આતુર છીએ. આ વ્યવહાર નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને લગભગ ત્રણ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.