રિલાયન્સની વાર્ષિક આવકો 47 ટકા વધી, રૂ. 8 ડિવિડન્ડ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 31 માર્ચ, 2022ના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષ માટે રૂ. 67845 કરોડનો ચોખ્ખો નફો 26.25 ટકા વૃદ્ધિ સાથે નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 53739 કરોડ હતો. કોન્સોલિડેટેડ કુલ આવકો 46.53 ટકા વધી રૂ. 736581 કરોડ (રૂ. 502653 કરોડ) થઈ છે. સેલ્સ એન્ડ સર્વિસિઝ રેવન્યુ 7.92 લાખ કરોડ (104.6 અબજ ડોલર) સાથે 100 અબજ ડોલરથી વધી છે.
ત્રિમાસિક નફો 20 ટકા વધ્યો
ત્રિમાસિક ધોરણે જાન્યુઆરી-માર્ચ દરમિયાન ચોખ્ખો નફો 20.18 ટકા વધી રૂ. 18021 કરોડ (રૂ. 14995 કરોડ) અને કુલ આવકો 35.55 ટકા વધી રૂ. 214344 કરોડ (રૂ. 158133 કરોડ) થઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડ જારી કર્યુ છે. વાર્ષિક ઈબિડિટા 28.8 ટકા વધી 1.25 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ નોંધાઈ છે. શેર 0.74 ટકા ઘટી રૂ. 2621.15 પર બંધ રહ્યો હતો.
રિટેલ અને ડિજિટલ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ
મહામારી અને જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ વચ્ચે પણ કંપનીએ મજબૂત પર્ફોર્મન્સ આપ્યુ છે. ડિજિટલ સર્વિસિઝ અને રિટેલ સેગમેન્ટમાં ગ્રોથ વધ્યો છે. રિટેલ સેગમેન્ટમાંથી 2 લાખ કરોડ, ડિજિટલ સર્વિસિઝમાંથી 1 લાખ કરોડની આવક નોંધાઈ છે. એનર્જી માર્કેટમાં પણ વોલેટિલિટી વચ્ચે મજબૂત રિકવરી જોવા મળી છે. – મુકેશ અંબાણી, ચેરમેન-એમડી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક વાર્ષિક પરિણામ એક નજરે
વિગત | માર્ચ-22 | માર્ચ-21 | 2021-22 | 2020-21 |
ચોખ્ખો નફો | 18021 | 14995 | 67845 | 53739 |
કુલ આવકો | 214344 | 158133 | 736581 | 502653 |
ઈપીએસ(રૂ.) | 23.95 | 20.52 | 92.0 | 20.5 |
રિલાયન્સ જિયોનો નફો 24 ટકા વધ્યો
રિલાયન્સ જિયોનો ત્રિમાસિક સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 24 ટકા વધી રૂ. 4173 કરોડ (રૂ. 3360 કરોડ) થયો છે. આવકો 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 20901 કરોડ (રૂ. 17358 કરોડ) નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં ચોખ્ખો નફો 23 ટકા વધી રૂ. 14854 કરોડ (રૂ. 12071 કરોડ) અને આવકો 10.3 ટકા વધી રૂ. 77356 કરોડ (રૂ. 70127 કરોડ) થઈ છે.