RILએ પ્રેફરન્શિયલ શેર દ્વારા રૂ. 3,300 કરોડ ઠાલવ્યા બાદ Alok Industriesના શેરમાં 20%નો ઉછાળો
અમદાવાદ, 2 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ રૂ. 3,300 કરોડના નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્શિયલ શેર મારફત રોકાણ કરવા બદલ આજે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. NSE પર શેર 20 ટકા અપર સર્કિટ સાથે રૂ. 25.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે BSE પર રૂ. 25.86ની ટોચ નોંધાવી હતી. કંપનીની માર્કેટ કેપ રૂ. 12840 કરોડ છે.
રિલાયન્સે પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત 9 ટકાના ડિવિડન્ડ રેટ પર પ્રેફરેન્શિયલ શેયર્સ ખરીદ્યા હતા. જેમાં કુલ રૂ. 3300 કરોડનું રોકાણ કર્યું છે. તદુપરાંત, પ્રેફરન્શિયલ શેર ફાળવણીની તારીખથી 20 વર્ષથી વધુ ન હોય તેવા સમયગાળાની અંદર કોઈપણ સમયે રિડીમેબલ થઈ શકશે.
કાઉન્ટરમાં વોલ્યુમમાં પણ વધારો થયો છે કારણ કે અત્યાર સુધીમાં એક્સચેન્જો પર 11 કરોડ શેરના વોલ્યૂમ જોવા મળ્યા છે, જે એક મહિનાની દૈનિક સરેરાશ 4 કરોડ શેર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. પાછલા મહિનામાં સ્ટોક પણ 31 ટકા વધ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં પ્રમોટર પણ છે. 2020માં, RIL, JM ફાઇનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે મળીને આલોક ઇન્ડસ્ટ્રીઝ હસ્તગત કરી હતી, બાદમાં લેણદારોને તેના બાકી લેણાંની વસૂલાત કરવા માટે નાદારીની કાર્યવાહી દ્વારા હરાજી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં, RIL પાસે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા હિસ્સો હતો જ્યારે JM ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે 34.99 હિસ્સો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 0.87 ટકા સુધારા સાથે 2612.40 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 8 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં જ્યારે 22 સ્ક્રિપ્સ રેડ ઝોનમાં રહી હતી.