સેન્સેક્સે ફરી 61000ની સપાટી ગુમાવી, નિફ્ટી 17850 નીચે
અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆતથી અત્યારસુધીની ભારતીય શેરબજારોની ચાલ અનિર્ણાયક અને સતત પ્રોફીટ બુકિંગ માનસ સાથેની રહી છે. જેના કારણે સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટરોલ્સ પણ ધીરે ધીરે એક પછી એક સપોર્ટ લેવલ્સ તોડી રહ્યા છે. નવા સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે થવા છતાં છેલ્લે તો ભારતીય બજારોમાં મંદીનો માહોલ જ રહ્યો હતો. BSE સેન્સેક્સ ઉપરમાં 61,290.19 અને નીચામાં 60,607.02 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 311.03 પોઈન્ટ્સ ગગડીને 60691.54 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 18,004.35 અને નીચામાં 17,818.40 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 99.60 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17850 પોઇન્ટની વધુ એક સાયકોલોજિકલ કમ સપોર્ટ સપાટી નીચે 17844.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારાની ભીતિ તેમજ ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરતા સર્જાયેલા તણાવને કારણે આજે ભારતીય શેરબજારો દિશાવિહિન ચાલમાં ફસાયા હોવાનું જોવા મળી રહ્યું છે.
IT- ટેકનોલોજી સેક્ટરમાં ફરી વેચવાલીનો માહોલ
ઓઈલ- ગેસ, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ, પાવર, FMCG અને ફાર્મા સેક્ટરના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે IT, ટેકનો અને ઓટો સેક્ટરના શેર્સમાં લેવાલી રહી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.12 ટકા અને 0.16 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ નેગેટીવ, સેન્ટિમેન્ટ પણ વેચવાલીનું
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3738 | 1330 | 2233 |
સેન્સેક્સ | 30 | 12 | 18 |
સેન્સેક્સ પેકની 18 સ્ક્રીપ્સમાં ઘટાડો
સેન્સેક્સ પેકમાં 18 સ્ક્રીપ્સમાં ઘટાડો અને 12 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી. અલ્ટ્રાકેમ આજે સૌથી વધુ 1.75 ટકા વધ્યો હતો. સુધરેલા અન્ય શેર્સ પૈકી ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, HCL ટેકનો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. જ્યારે HDFCમાં સૌથી વધુ 1.33 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય ઘટેલાં શેર્સમાં મારુતિ, કોટક બેન્ક, ICICI બેન્ક, SBI ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ, HDFC બેન્ક અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.