Sensex સાપ્તાહિક 682 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 65323 પોઈન્ટ બંધ, નિફ્ટીએ 19450ની સપાટી પણ તોડી
પાવર, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટોરલ્સમાં સુધારો, બે દિવસમાં રોકાણકારોની મૂડી 1.61 લાખ કરોડ ઘટી
અમદાવાદ, 11 ઓગસ્ટઃ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારોમાં હેવી વોલેટિલિટીના અંતે ઘટાડે બંધ રહેવાની સાથે સાપ્તાહિક નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 682 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 366 પોઈન્ટ ઘટી 65322.65 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી 19450ની સપાટી જાળવવામાં નિષ્ફળ રહેવા સાથે 114.80 પોઈન્ટ તૂટી 19428.30 પર બંધ રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 1.61 લાખ કરોડ ઘટી છે.
આરબીઆઈએ રેપો રેટ સતત બીજી વખત જાળવી રાખવા ઉપરાંત લિક્વિડિટી ઘટાડવાના પગલાંની પ્રતિક્રિયાના પગલે બેન્કિંગ શેરોમાં વેચવાલીનુ પ્રેશર વધતાં શેરબજાર સતત બીજા દિવસે ઘટાડે બંધ રહ્યા હતા. બીજી બાજુ ફુગાવા અંગે વધતી જતી ચિંતાઓએ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટ પ્રેશરમાં છે. યુએસ સીપીઆઈ અપેક્ષા કરતા નીચા હોવા છતાં અને યુકેના જીડીપીના અંદાજને હરાવીને, વૈશ્વિક સેન્ટિમેન્ટ પ્રતિકૂળ રહ્યાં છે. મંદ વૈશ્વિક સંકેતો અને આરબીઆઈના હોકિશ વલણના કારણે સ્થાનિક શેરબજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. PSU બેન્ક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાયના તમામ ક્ષેત્રો ઘટાડે બંધ રહ્યા હતા. ત્રિમાસિક પરિણામોની સિઝન પણ પૂર્ણ થવાના આરે છે. કોઈપણ મોટા ટ્રિગર અને અનિશ્ચિત વૈશ્વિક સંકેતોની ગેરહાજરીમાં, અમે બજાર કોન્સોલિડેટ રહેવાની ધારણા માર્કેટ નિષ્ણાતો સેવી રહ્યા છે.
માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3724 સ્ક્રિપ્સ પૈકી 1524માં સુધારો અને 2049માં ઘટાડો જોવા મળ્યો હતો. 204 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 27 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. સેન્સેક્સ પેકની માત્ર 9 સ્ક્રિપ્સ પણ 3.24 ટકા સુધી ઉછાળે બંધ રહી હતી. બાકીની 21માં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ પેકની સ્થિતિઃ સેન્સેક્સ પેકની ટોપ ગેઈનરમાં એચસીએલ ટેક. 3.24 ટકા વધ્યો હતો. અન્ય પાવરગ્રીડ, ટાઈટન, રિલાયન્સ, તાતા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ,ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરો 0.95 ટકા સુધી નજીવા સુધર્યા હતા. બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેન્ક 2.31 ટકા, એનટીપીસી 2.02 ટકા અને સન ફઆર્મા 1.59 ટકા તૂટ્યો હતો. કેર રેટિંગ્સે ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના ડિપોઝિટના પ્રમાણપત્રોના રેટિંગ અપગ્રેડ કરતાં ઈન્ટ્રા-ડે ટ્રેડમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો શેર BSE પર 15.4 ટકા વધીને રૂ. 31.05 થયો હતો. અંતે 13.14 ટકા ઉછાળે 30.49 પર બંધ રહ્યો હતો.