• સેન્સેક્સે 60000 પોઇન્ટ અને નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ જાળવી રાખી
  • વેચવાલીના દબાણ સામે મેટલ અને બેન્ક શેર્સ ટકી ગયા, આઇટી શેર્સમાં વૈશ્વિક નબળાઇનો ઝોક

અમદાવાદ: બુધવારે સેન્સેક્સમાં 1232 પોઇન્ટની હેવી વોલેટિલિટીના અંતે સ્થાનિક શેરબજારોમાં કરેક્શન છતાં અંડરટોન સુધારાનો રહ્યો હતો. ખાસ કરીને વૈશ્વિક શેરબજારોમાં જોવાયેલા નરમાઇના વાવાઝોડાના પગલે સવારે પ્રિ- ક્લોઝિંગ સેશનમાં સેન્સેક્સ એક તબક્કે 1300+ પોઇન્ટ સુધી તૂટી ગયો હતો. મોટાભાગના નિષ્ણાતો એવી દહેશત વ્યક્ત કરતાં હતા કે, સેન્સેક્સ 58000ની નીચે ખૂલશે. પરંતુ બપોર પછીના સેશનમાં મેટલ અને બેન્ક શેરોમાં સુધારા અને યૂએસ સ્ટોક ફ્યુચરમાં રિકવરીથી ઘેરલુ શેરબજારમાં નુકસાન અટક્યું હતું અને રિકવરી જોવા મળી હતી.

કયા શેર્સના કારણે અટકી કરેક્શનની ચાલ

એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એસબીઆઈ જેવા શેરોમાં લેવાલીથી બજારમાં રિકવરી જોવા મળી હતી જોકે,  આઈટી અને ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ પેકમાં આઇટી શેર્સને મંદીનું ગ્રહણ

સેન્સેક્સમાં  સૌથી વધુ ઈન્ફોસિસના શેર 4.53 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આ ઉપરાંત ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનો., લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો અને રિલાયન્સના શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

સેન્સેક્સમાં આ શેર્સ વધ્યા

BSE સેન્સેક્સ પેકમાં  ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ 4.48 ટકાનો ઉછાળો નોંધાયો હતો. પાવરગ્રીડ, એનટીપીસી, એસબીઆઈ, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ,એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

ઇન્ટ્રા-ડે ટ્રેડમાં સેન્સેક્સ- નિફ્ટીની ચાલ

સેન્સેક્સ 59417.12 પોઈન્ટ્સની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં 60,649.04 પોઈન્ટ્સ અને નીચામાં 59,417.12 પોઈન્ટ્સની વચ્ચે ટ્રેડ થયા બાદ 224.11 પોઈન્ટ્સ ગગડીને 60,346.97 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી50 ઈન્ડેક્સ પણ 17771.15ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં 18,091.55 અને નીચામાં 17771.15 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 66.30 પોઈન્ટ્સ અથવા 0.37 ટકાના ઘટાડા સાથે 18003.75 પોઈન્ટસની સપાટીએ બંધ રહ્યો હતો.  BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.10 ટકા અને 0.01 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

SBIનો SHARE વર્ષની નવી ટોચે, માર્કેટ કેપ 5 લાખ કરોડથી વધી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેના કારણે શેર વર્ષની નવી ટોચે પહોંચ્યો હતો. ઈન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન SBI રૂ. 574.70ની 52 વીક હાઈ સપાટીએ પહોંચ્યો હતો. BSE ખાતે રૂ. 574.65ની વાર્ષિક ટોચ નોંધાવી હતી. માર્કેટકેપ 5.10 લાખ કરોડની સપાટીએ પહોંચવા સાથે  એસબીઆઇ હવે માર્કેટકેપની દ્રષ્ટિએ ટોચના સાતમા ક્રમે પહોંચ્યો છે. શેર 8 માર્ચ, 2022ના રોજ 425ના વાર્ષિક તળિયે (52 Week Low) પહોંચ્યો હતો. ત્યારબાદ માર્કેટની વોલેટિલિટી વચ્ચે 450થી 500ની રેન્જમાં અથડાયા બાદ  574.75ની ટોચની સપાટી નોંધાવી છે. આ સાથે છ માસમાં જ રોકાણકારોને 35 ટકા રિટર્ન આપ્યુ છે.