4 દિવસમાં સેન્સેક્સમાં 1856 પોઇન્ટનું ધોવાણ, નિફ્ટીએ 19300ની સાયકોલોજિકલ સપાટી તોડી
Date | Open | High | Low | Close |
17/10 | 66558 | 66560 | 66309 | 66428 |
18/10 | 66474 | 66475 | 65842 | 65877 |
19/10 | 65485 | 65870 | 65344 | 65629 |
20/10 | 65437 | 65555 | 65309 | 65398 |
23/10 | 65419 | 65454 | 64503 | 64572 |
અમદાવાદ 23 ઓક્ટોબરઃ ભારતીય શેરબજારો ઉપર ધીરે ધીરે મંદીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. સળંગ ચાર દિવસથી ચાલી રહેલા પ્રોફીટ સેલિંગે સોમવારે નવા સપ્તાહની શરૂઆતમાં પેનિક સેલિંગનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેના કારણે સેન્સેક્સે એક જ દિવસમાં 1856 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો છે. જ્યારે નિફ્ટી-50 એ તેની 19300 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ 1.34 ટકા અથવા 260.90 પોઈન્ટ ઘટીને 19281.75 પર જ્યારે બીએસઈ સેન્સેક્સ 1.26 ટકા અથવા 825.74 પોઈન્ટ ઘટીને 64571.88 પર બંધ રહ્યા હતા. BSE-લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ દ્વારા પ્રતિબિંબિત રોકાણકારોની સંપત્તિ રૂ. 311.22 લાખ કરોડ ઘટી જવાને કારણે શેરધારકોની મૂડીમાં રૂ. 7.66 લાખ કરોડથી વધુ ધોવાણ નોંધાયું છે.
વિવિધ સેક્ટોરલ્સમાં પણ જોવા મળી બ્લડ બાથની સ્થિતિ
નિફ્ટી સ્મોલકેપ 100 3.59 ટકા ઘટ્યો જ્યારે નિફ્ટી મિડકેપ 2.66 ટકા લપસ્યો. વ્યાપક સૂચકાંક NSE 500 1.86 ટકા નીચે હતો. તમામ સેક્ટોરલ્સ ઘટાડામાં બંધ થયા છે. નિફ્ટી મીડિયામાં સૌથી વધુ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પીએસયુ બેન્ક નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી મેટલ 2-4 ટકા ઘટ્યા હતા. નિફ્ટી 50 સ્ટૉકમાંથી માત્ર બે જ વધ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ. LTIMindtree અદાણી એન્ટરપ્રાઇઝ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને JSW સ્ટીલ એવા હતા જેમણે સૌથી વધુ 3-4 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
ઑક્ટો 25 માટે આઉટલુકઃ નિફ્ટી 19200- 19175 સુધી ઘટી શકે
ટેક્નિકલ રીતે નિફ્ટીએ દૈનિક ચાર્ટ પર લાંબી મંદીની કેન્ડલ બનાવી છે જે વર્તમાન સ્તરોથી વધુ નબળાઈનો સંકેત આપે છે. ડે ટ્રેડર્સ માટે 19400 એ મુખ્ય રેઝિસ્ટન્સ સ્તર હશે જેની નીચે 19200-19175 સુધી ઇન્ડેક્સ સરકી શકે છે. બીજી તરફ 19400ની ઉપર 19450-19500 સુધી ઝડપી ટેકનિકલ બાઉન્સ બેક જોઈ શકીએ છીએ. -દીપક જસાણી રિટેલ રિસર્ચ હેડ HDFC સિક્યોરિટીઝ
નિફ્ટી હવે 19223ના લેવલના બ્રેક પર 18840 તરફ જઈ શકે છે જ્યારે 19480 ઉપરના સ્તરે પ્રતિકાર આપી શકે છે. – અજીત મિશ્રા એસવીપી – ટેકનિકલ રિસર્ચ રેલિગેર બ્રોકિંગ