સેન્સેક્સે 4 દિવસમાં 1982 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યોઃ નિફ્ટી 16500 ક્રોસ
- માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે વેલ્યૂ બાઇંગનું
- સેન્સેક્સ પેકની 30માંથી 22 સ્ક્રીપ્સમાં સુધારો, આઇટી- બેન્કિંગ અગ્રેસર રહ્યાં
- FPIની બુધવારે 1781 કરોડની નેટ ખરીદી, DIIની 230 કરોડની નેટ વેચવાલી
ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે સુધારાની હેટ્રીક સાથે સેન્સેક્સ- નિફ્ટી બન્ને મહત્વની રેઝિસ્ટન્સ અને સાયકોલોજિકલ સપાટીઓ ક્રોસ કરવામાં સફળ રહ્યા છે.
વૈશ્વિક શેરબજારોમાં પણ છેલ્લા 3 દિવસથી સુધારાની ચાલ જોવા મળી રહી છે તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર અસર રહી છે. એટલું જ નહિં, વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 1781 કરોડની નેટ ખરીદી સૂચવે છે કે, તેમનું ધીરે ધીરે બાઇંગ ખુલી રહ્યું છે. જે ભારતીય શેરબજારો માટે સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર ગણાય છે. છેલ્લા ચાર દિવસમાં જ સેન્સેક્સે 1983 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવ્યો છે. તેના કારણે બીએસઇ માર્કેટકેપમાં રૂ. 7 લાખ કરોડ ઉપરાંતની વૃદ્ધિ નોંધાઇ છે.
બુધવારે સેન્સેક્સ 55486 પોઇન્ટની સપાટીએ ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 55630.26 પોઇન્ટ અને 55298.23 પોઇન્ટ વચ્ચે રમી છેલ્લે 55397.53 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ પેકની 30માંથી 22 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી છે. તેમાં માર્કેટ લિડર રિલાયન્સ ઉપરાંત આઇટી, બેન્કીંગ શેર્સ ઝમકમાં રહ્યા હતા. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3489 પૈકી 1880 સ્ક્રીપ્સમાં સુધારો અને 1459 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે વેલ્યૂ બાઇંગનું બની રહ્યું છે.
નિફ્ટી-50 સવારે 16562.80 પોઇન્ટના મથાળે ખુલી ઉપરમાં 16588 પોઇન્ટ અને નીચામાં 16490.95 પોઇન્ટ થઇ છેલ્લે 180.30 પોઇન્ટના સુધારા સાથે 16500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 16520.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી નિફ્ટી મોટાભાગના રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે.
વીપ્રોનો Q1 નફો વાર્ષિક ધોરણે 21 ટકા તૂટ્યો
વીપ્રોએ જૂન-22ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 21 ટકા ઘટાડા સાથે રૂ. 2546 કરોડ (રૂ. 3243 કરોડ) નોંધાવ્યો છે. જોકે, સિક્વન્સિયલ બેઝિસ ઉપર કંપનીનો નફો 16 ટકા ઘટ્યો છે. કંપનીની આવકો વાર્ષિક ધોરણે 15.51 ટકા વધી રૂ. 22001 કરોડ (રૂ. 1905 કરોડ) થઇ છે. જ્યારે સિક્વન્સિયલ બેઝિસ ઉપર આવકોમાં માત્ર 2.98 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
વીપ્રોનો શેર રૂ. 6.60 સુધર્યોઃ જોકે, પરીણામ સાથે શેર રૂ. 6.60ના સુધારા સાથે રૂ. 412.20ની સપાટીએ રહ્યો હતો.
સેન્સેક્સની છેલ્લા 4 દિવસની ચાલ એક નજરેઃ 1982 પોઇન્ટનો સુધારો
Date | Open | High | Low | Close |
14/07/2022 | 53,688.62 | 53,861.28 | 53,163.77 | 53,416.15 |
15/07/2022 | 53,637.88 | 53,811.37 | 53,361.62 | 53,760.78 |
18/07/2022 | 54,069.30 | 54,556.66 | 54,034.97 | 54,521.15 |
19/07/2022 | 54,251.88 | 54,817.52 | 54,232.82 | 54,767.62 |
20/07/2022 | 55,486.12 | 55,630.26 | 55,298.23 | 55,397.53 |