અમદાવાદ, 30 ઓક્ટોબરઃ આરબીઆઈ દ્વારા રેપોરેટનો દર સતત ત્રીજી વખત જાળવી રાખવામાં આવતા બેન્ક એફડીના દરોમાં વધારો અટક્યો છે. પરિણામે સુરક્ષિત રોકાણ માધ્યમ  બેન્ક એફડીમાં રોકાણકારોને મહત્તમ 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. જેની સામે નાની બચત યોજનાઓમાં 7 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ મેળવી મૂડી સર્જનમાં વધારો કરી શકાય.

સરકારે ત્રિમાસિક ધોરણે સમીક્ષાના આધારે ડિસેમ્બર ત્રિમાસિક માટે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. તદુપરાંત અન્ય તમામ નાની બચત યોજનાઓ માટેના દરો યથાવત રાખ્યા હતા.

નાની બચત યોજના શું છે?

નાની બચત યોજનાઓ એ સરકાર દ્વારા ઓફર કરાયેલ અને સંચાલિત રોકાણનું માધ્યમ છે. હાલમાં, સરકાર નવ પ્રકારની નાની બચત યોજનાઓ ઓફર કરે છે, જેમાં રિકરિંગ ડિપોઝિટ (RD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) અને વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) સમાવિષ્ટ છે.

નાની બચત યોજનાના લેટેસ્ટ વ્યાજદર

PPF 7.1%
SCSS 8.2%
સુકન્યા યોજના 8.0%
NSC 7.7%
PO માસિક આવક યોજના7.4%
કિસાન વિકાસ પત્ર 7.5%
1વર્ષની થાપણ 6.9%
2 વર્ષની થાપણ 7.0%
3 વર્ષની થાપણ 7.0%
5 વર્ષની થાપણ 7.5%
5 વર્ષ RD 6.7%

સુરક્ષિત રોકાણ સાથે નિશ્ચિત આવકનો સ્રોત

આર્થિક અસ્થિરતાને જોતાં મોટી વયના લોકો તેમજ સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છુકોએ નાની બચત યોજનાઓમાં પોતાના રોકાણનો અમુક હિસ્સો ફાળવવો જોઈએ. ખાસ કરીને જેઓ નિશ્ચિત વળતર મેળવવા માંગતા હોય તેમના માટે નાની બચત યોજનાઓ શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે. જો કે, એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે આ યોજનાઓ માટેનું વળતર ઇક્વિટી જેટલું આકર્ષક ન હોઈ શકે.

નાની બચત યોજનામાં રોકાણ કરવાના ત્રણ ફાયદા

1) નાની બચત યોજનાઓ સરકાર દ્વારા સમર્થિત છે જેથી રોકાણકારો તેમના રોકાણો પર નિશ્ચિત વળતરનો આનંદ માણી શકે.

2) આમાંની ઘણી નાની બચત યોજનાઓ જેવી કે PPF અને SCSS આવકવેરા લાભો માટે લાયક ઠરે છે. તમને I-T એક્ટની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીના લાભો મળે છે.